સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

'છોટીકાશી'માં સંત શિરોમણિ પૂ. જલારામ બાપાની રરર ની જન્મજયંતિની ધામધૂમ પૂર્વક કરાશે ઉજવણી

પૂજન-મહાઆરતી-ગૌમાતાનું પૂજન અને ઘાસચારા-લાડુ વિતરણ તથા માસ્તાન ભોજન સહિતના કાર્યક્રમો : જલારામ મહોત્સવ સમિતિ દ્વારા 'જલારામ શોભાયાત્રા' : વિવિધ સંસ્થાઓ કરશે સ્વાગત

(મુંકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૯ : છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવી દેવાયલોની નગરી જામનગર માં આગામી ગુરૂવાર તારીખ  ૧૧-૧૧-૨૧ ના દિવસે જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા સંત શિરોમણિ જલારામ બાપાની ૨૨૨મી  જન્મ જયંતીની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પુજ્ય જલારામ બાપાનું પૂજન અને  મહાઆરતી ઉપરાંત ગૌમાતાનું પૂજન અને ઘાસચારો તથા લાડુ વિતરણ તેમજ સારશ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું 'માસ્તાન ભોજન' સહિતના કાર્યક્રમો યોજાવાના છે. ઉપરાંત જામનગર શહેરમાં જલારામ શોભાયાત્રાનું  પણ આયોજન કરવામાં આવ્યું છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની આ શોભાયાત્રા સાધના કોલોની  જલારામ મંદિરેથી પ્રારંભ થઇ નગર ભ્રમણ કરી હાપા સ્થિત જલારામ મંદિરે પૂર્ણ થશે. આ શોભાયાત્રા  દરમ્યાન વિવિધ સંસ્થા દ્વારા ઠેર ઠેર પુજ્ય જલારામ બાપા નું પૂજન તેમજ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત  કરાશે. જેનો બહોળી સંખ્યામાં સર્વે જલારામ ભકતોએ કોવીડ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને લાભ લેવા  અનુરોધ કરાયો છે.  

 જામનગર શહેરમાં ગુરૂવાર તારીખ ૧૧-૧૧-૨૦ર૧ ના રોજ સંત શિરોમણી પૂજય જલારામબાપાની ૨૨૨ મી  જન્મજયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવાના ભાગરૂપે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રી જલારામ  જયંતિ મહોત્સવ સમિતિ જામનગર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે,  અને પૂજન-મહાઆરતી માસ્તાન ભોજન તેમજ શોભાયાત્રા સહિતના દિવસભરના અનેક ધાર્મિક કાર્યક્રમો  યોજવામાં આવી રહ્યા છે.   

જેમાં સૌપ્રથમ સવારે આઠ વાગ્યે પંચેશ્વર ટાવર નજીક આવેલી લોહાણા જ્ઞાતિની વાડીમાં પુજ્ય જલારામ  બાપાનું પૂજન કરવામાં આવશે, ત્યારબાદ સવા આઠ વાગ્યે ગૌમાતાનું પૂજન તેમજ જામનગર શહેર અને  આસપાસના વિસ્તારમાં આવેલી તમામ ગૌશાળાઓમાં ઘાસચારો તેમજ લાડુ નું વિતરણ કરવામાં આવશે.  

  ત્યારબાદ લોહાણા મહાજન વાડીમાં ૧૦.૩૦ વાગ્યાથી સારશ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું માસ્તાન ભોજનનો કાર્યક્રમ  યોજાશે. 

જામનગરના જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્યો શ્રી જીતુભાઈ લાલ, શ્રી રમેશભાઈ દત્તાણી,  મનોજભાઈ અમલાણી, ભરતભાઇ કાનાબાર, અતુલભાઇ પોપટ, રાજુભાઈ કોટેચા, રાજુભાઈ મારફતિયા,  અનિલભાઈ ગોકાણી, ભરતભાઈ મોદી, રાજુભાઈ હિડોચા, નિલેશભાઈ ઠકરાર, મધુભાઈ પાબારી તથા  મનીષભાઈ તન્ના, સહિતના સભ્યો દ્વારા 'જલારામ શોભાયાત્રા' નું આયોજન કરવામાં આવ્યું છે. આ  વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન સાધના કોલોની વિસ્તારમાં આવેલા શ્રી જલારામ મંદિરે થી થશે, જે નગર  ભ્રમણ કરીને હાપા સ્થિત જલારામ મંદિરે પૂર્ણ થશે. જ્યાં મહાઆરતી તેમજ શયન આરતી કરવામાં  આવશે.   

ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો દ્વારા યોજાનાર આ જલારામ શોભાયાત્રામાં સર્વ જ્ઞાતિય અનેક  જલારામ ભકતો પારંપરિક વેશભૂષા તેમ જ માથે સાફો ધારણ કરીને શોભાયાત્રા જોડાશે. બપોરે અઢી  વાગ્યે સાધના કોલોની જલારામ મંદિર થી શોભાયાત્રાનો પ્રારંભ થશે ત્યાર પછી જામનગરના નાનક પુરી  વિસ્તાર, પવન ચક્કો, દિગ્વિજય પ્લોટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક રોડ, ચાંદીબજાર, કેદાર લાલ સીટી  ડિસ્પેન્સરી, રણજીત રોડ, બેડીગેઇટ, પંચેશ્વર ટાવર, ટાઉનહોલ સર્કલ, લાલબંગલા સર્કલ, જિલ્લા પંચાયત  સર્કલ, સાત રસ્તા સર્કલ,શરૂ સેકશન રોડ, પંચવટી સર્કલ, ડી.કે.વી. સર્કલ, જી.જી. હોસ્પિટલ રોડ, અંબર  સિનેમા રોડ, નાગનાથ ગેઇટ સર્કલ, ગુલાબનગર થઈ હાપા સ્થિત જલારામ મંદિરે ૭.૩૦ વાગ્યે સંપન્ન  થશે.   

આ શોભાયાત્રામાં સર્વજ્ઞાતિય જલારામ ભકતો જોડાશે, તેમ જ શહેરની જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ  ઉપરાંત વેપારી આગેવાનો દ્વારા વિવિધ સ્થળોએ શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરાયા પછી પુજ્ય  જલારામબાપાનું પૂજન કરવામાં આવશે. આ વિશાળ શોભાયાત્રામાં જોડાવા માટે જલારામ જયંતિ મહોત્સવ  સમિતિ ના સદસ્યો વતી જીતુભાઈ લાલ દ્વારા અનુરોધ કરાયો છે.

(10:48 am IST)