સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગુંજશે જય જલારામબાપાના નાદ

પૂ. જલારામબાપાની ૨૨૨મી જન્‍મજયંતિ ઉજવવા થનગનાટ : ધુન,ભજન,કિર્તન, મહાપ્રસાદ, મહાઆરતી, નાત જમણ સહિતના કાર્યક્રમોનું આયોજન

રાજકોટ,તા. ૧૦ : કાલે પૂ. જલારામબાપાની ૨૨૨મી જન્‍મજયંતિ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભવ્‍યતાથી ઉજવાશે. ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે.
કાલે ધૂન, ભજન, કિર્તન, મહાપ્રસાદ, મહાઆરતી, નાતજમણ સહિતના કાર્યક્રમો યોજાશે.
સર્વત્ર પૂ. જય જલારામબાપાના નાદ ગુજશે. પૂ. જલારામબાપા દ્વારા શરૂ કરેલા સેવાકાર્યો પણ ધમધમશે.
ઉપલેટા
(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા : અહિંના પોરબંદર રોડ ઉપર આવેલ પૂ. ભકિતદીદી દ્વારા સ્‍થાપીત જય જલારામ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષ પણ તા. ૧૧ને ગુરૂવારે જલારામ જયંતિ નિમિતે સવારે બાપાના ચરણ સ્‍નાન કરાવી ચરણામૃતની પ્રસાદી સાંજના પાંચ વાગ્‍યે મહિલા મંડળ દ્વારા ભજન સત્‍સંગ ત્‍યારબાદ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તો દરેક ધર્મપ્રેમી ભાઇ બહેનોએ મહાપ્રસાદનો લાભ લેવા આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે. તેમજ તા. ૨૪/૨/૨૨ના રોજ યોજાનારા સર્વ જ્ઞાતી સમૂહલગ્ન માટે વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવાનું જલારામ જયંતિના દિવસથી ચાલુ થઇ જશે તો જરૂરીયાતવાળા કુટુંબોએ સંપર્ક કરવા એક યાદીમાં જણાવેલ છે.
ભાવનગર
(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર :પૂ.જલારામ બાપા ની ૨૨૨ મી જન્‍મ જયંતિ ની ઉજવણી તા.૧૧/૧૧/૨૦૨૧ ને ગુરુવાર ના રોજ આનંદનગર જલારામ મંદિર ભાવનગર ખાતે કરવા માં આવશે.
જલારામ મંદિર આનંદનગર ખાતે વિવિધ ધાર્મિક ઉત્‍સવ સાથે પૂ.બાપા ની જન્‍મ જયંતિ ઉજવાશે જેમાં તા.૧૧ ના રોજ મંદિર માં દર્શન સવારે સવારે ૬ થી રાત્રી ના ૮ કલાક સુધી થશે, મહા આરતી સવારે ૭, બપોરે ૧૨ અને સાંજે ૭ કલાકે થશે, પૂ.બાપા નું પૂજન અને ધજા પૂજન સવારે ૯ કલાકે થશે આ ઉપરાંત જનસેવા ના ભાગરૂપે રેડક્રોસના સહકાર થી સવારે ૧૦ થી ૨ દરમ્‍યાન રક્‍તદાન શિબિર નું આયોજન કરવામાં આવેલ છે જેમાં રક્‍તદાન કરનાર રક્‍તદાતાઓ ને ભેટ અને સન્‍માનપત્ર એનાયત કરવામાં આવશે સાથે વિનામૂલ્‍યે બી.પી અને ડાયાબીટીસ તપાસ કેમ્‍પ નું આયોજન પણ કરવા માં આવેલ છે.
સમગ્ર જલારામ જયંતીના ઉત્‍સવો માટે જલારામ મંદિર આનંદનગર , ભાવનગર દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે.

 

(10:36 am IST)