સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

કચ્‍છમાં ડેંગ્‍યુના ઉપદ્રવ વચ્‍ચે જી. કે. જનરલ અદાણી હોસ્‍પિટલ દ્વારા ૪૬૦ બોટલ લોહી એકઠું કરાયું: ઘટતા જતા પ્‍લેટ લેટ કાઉન્‍ટમાં શરીર માટે લોહી ઉપયોગી ઘટક

ડેંગ્‍યુના દર્દીને પ્‍લેટલેટસ આપવા આ જરૂરીયાત ઊભી થઇઃ ગત ઓકટોબર માસમાં ૮૯ર બોટલ લોહી એકત્રિત કરાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ :.. અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્‍પિટલમાં સારવાર લઇ રહેલા ડેન્‍ગ્‍યુના દર્દીઓ માટે તેમના લોહીમાં જરૂરી પ્‍લેટલેટસ ઘટકનું પ્રમાણ જાળવવા ગયા ઓકટોબર માસથી અત્‍યાર સુધી ૪૬૦ બોટલ ફ્રેશ લોહીની આવશ્‍યકતા ઊભી થઇ હતી.
હોસ્‍પિટલની બ્‍લડબેંકના વડા ડો. જિજ્ઞાબેન ઉપાધ્‍યાયએ કહ્યું કે, ડેન્‍ગ્‍યુ થાય એટલે દર્દીના લોહીમાં પ્‍લેટલેટસનું પ્રમાણ લાખોમાંથી હજારો સુધીની માત્રામાં ઘટી જાય છે. જે કયારેક ઘાતક પુરવાર થઇ શકે છે. આ પરિસ્‍થિતિ નિવારવા શરીરમાં લોહીના ઘટક એવા પ્‍લેટલેટસનું પ્રમાણ જાળવવું જરૂરી બને છે.
દર્દીના શરીરમાં નિયત પ્‍લેટલેટસનું પ્રમાણ નિભાવવા તાજા લોહી (ફ્રેશ બોટલ) તેમાંથી તમામ ઘટક લેબોરેટરીમાં છૂટા પાડવામાં આવે છે. અને પ્‍લેટલેટસ ઘટકને અલગ તારવી જરૂરીયાતમંદ દર્દીને પૂરા પાડવામાં આવે છે. જી. કે. જનરલ હોસ્‍પિટલમાં અત્‍યાર સુધી ૪૬૦ બોટલ લોહીની આવશ્‍યકતા ઊભી થઇ હતી. આ લોહી માટે સ્‍થાનિક બ્‍લડબેન્‍ક અંતર્ગત લોહી મેળવી જરૂરી કામગીરી કરવામાં આવી હતી.
દરમિયાન ગયા ઓકટોબર માસમાં જનરલ હોસ્‍પિટલમાં ચાલતી બ્‍લડબેંક અને જિલ્લાના જુદા જુદા ૮ સ્‍થળોએ કેમ્‍પ યોજી ૮૯ર બોટલ લોહી એકત્રીત કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં ઇંન્‍ડીયન રેડક્રોસ સોસાયટી ભુજ, પી. એસ. સી. દહીસરા, સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્‍ડેશન, નિલકંઠ ફાર્મ ભારાપર, ભચાઉ એસ. આર. પી. હેડ કવાર્ટર, સી. એસ. સી. ભારાપર (માંડવી) પટેલ સમાજ તેમજ સુખપર ભૂકંપ રાહત કેમ્‍પ દ્વારા સહયોગ આપવામાં આવ્‍યો હતો.
માનવ શરીરમાં પ્‍લેટલેટસનું કાર્ય
ડો. જિજ્ઞાબેન ઉપાધ્‍યાયે કહયું કે, માનવ શરીરમાં પ્‍લેટલેસનું મહત્‍વનું કાર્ય એટલે લોહીનું ગંઠાઇ જવું હોય છે. જેથી લોહી શરીર બહાર વહેતું અટકી શકે, પ્‍લેટલેટસ શરીરના બોર્નમેરોમાં ઉત્‍પન્‍ન થાય છે. જો તેનું પ્રમાણ ઘટી જાય તો અનેક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. શરીરમાં દોઢ લાખથી સાડા ચાર લાખ પ્રતિ માઇક્રો લીટર પ્‍લેટલેટસ હોવા જોઇએ.

 

(10:11 am IST)