સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th November 2021

માવઠાના એંધાણ વર્તાતા રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી મુલત્‍વી રાખવી પડી

રાજકોટ : ગુજરાતમાં સરકારે મંગળવારથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. જો કે, રાજકોટના જેતપુર કેન્દ્ર પર પ્રથમ દિવસે જ ખરીદીની કામગીરીમાં સમસ્યા સર્જાઈ હતી. જેમાં માવઠાની આગાહીના પગલે જેતપુર કેન્દ્ર પર કોઈ ખેડૂતોને બોલાવાયા ન હતા.

જેતપુર કેન્દ્રના મદદનીશ સરકારી ખરીદ અધિકારીએ જણાવ્યું હતું કે, જેતપુરમાં યાર્ડમાં ખરીદ કેદ્ર માટે જે જગ્યા આપેલી છે તે ખુલ્લામાં છે.

જો કમોસમી વરસાદ વરસે તો ખેડૂતોની મગફળી બગડે.આ કારણે ખેડૂતોને મગફળી વેચવા આવવા માટે કોઈ મેસેજ આપવામાં આવ્યો નથી.તેમણે જણાવ્યું કે બુધવારે યોગ્ય વ્યવસ્થા કરી ખેડૂતોને મગફળી વેચવા માટે મેસેજ કરાશે.

ઉલ્લેખનીય છે કે, કૃષિપ્રધાન રાઘવજી પટેલે ધ્રોલ માર્કેટ યાર્ડથી ખરીદી શરૂ કરાવી હતી. સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1110 રૂપિયા નક્કી કર્યો છે.ખેડૂતોને એક મણ મગફળીએ 1,110 રૂપિયા મળી રહ્યા છે. ગયા વર્ષે આ ભાવ 1,0 55 રૂપિયા હતો. તેમજ ભાવને લઈ ખેડૂતોમાં સંતોષ છે.

ખેડૂતોનું કહેવું છે કે સરકાર તરફથી જે ભાવ આપવામાં આવી રહ્યો છે સંતોષકારક છે.. પરંતુ સરકારે એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદવાનું જ નક્કી કરેલું છે. ખેડૂતોની માંગ છે કે સરકાર ખેડૂતો પાસેથી વધુ જથ્થામાં મગફળી ખરીદી કરે અને સમયસર નાણા ચૂકવે.

(11:27 pm IST)