સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ગીરનાર પર હેલિકોપ્ટર સેવાની મંજુરી વગર ભવનાથમાં શરૂ કરાયેલ ઓફિસ રાતોરાત દુર કરાઇ

કલેકટરનાં આદેશનાં પગલે મનપા તંત્રની ત્વરિત કાર્યવાહી

 જુનાગઢ તા. ૧૦: ગીરનાર પર હેલિકોપ્ટર સેવાની મંજુરી વગર ભવનાથમાં શરૂ કરાયેલ ખાનગી કંપનીની ઓફિસ રાતોરાત દુર કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જુનાગઢના ગિરનારની યાત્રાએ આવતા યાત્રિકોની સુવિધા માટે રોપ-વે પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે. જોકે હાલ રોપ-વે ની કામગીરી મંથર ગતિએ થઇ રહી હોવાનું જાણવા મળેલ છે.

ત્યાં ભવનાથમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેનાં પાર્કીંગ ગ્રાઉન્ડ ખાતે ભવનાથની ગીરનાર અંબાજી સુધી હેલિકોપ્ટર સેવા ચાલુ કરવા માટે એક ખાનગી કંપનીએ એસી ઓફિસો ખડકી દઇ અને મોટા બેનરો લગાવીને કબ્જો જમાવી દીધો હતો.

આ બાબત ધ્યાને આવતા કલેકટર ડો. સૌરભ પારધીએ ત્વરિત તપાસનો આદેશ કરતા તંત્ર દોડતું થઇ ગયું હતું.

આ મામલામાં ભવનાથ વિસ્તાર ઇકો ઝોન ફોરેસ્ટ વિભાગમાં આવતો હોય માટે કલેકટરશ્રીએ ખાનગી કંપનીને કોઇ પરમિશન આપી ન હતી અને આગળની કાર્યવાહી માટે વનવિભાગ અને પોલીસ તંત્રને અભિપ્રાય મોકલ્યો હતો.

હજુ સુધી આ અંગેની મંજુરી આપવામાં આવી ન હોવા છતાં પાર્કીંગ ગ્રાઉન્ડ ખાતે વેસ્ટર્ન લિબર્ડ એવિએશન સર્વિસીસ નામની કંપનીએ હેલિકોપ્ટર સેવા માટે એસી ઓફિસો અને હોર્ડિંગ તેમજ બેનરો લગાવી દીધા હતા.

આથી કલેકટર ડો. સૌરભ પારધીના આદેશથી અને મનપાનાં કમિશ્નર તુષાર સુમેરાની સુચનાથી ગઇ રાત્રે મનપાની દબાણ શાખાએ ખાનગી કંપનીનાં દબાણો દુર કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:31 pm IST)