સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

સુરેન્દ્રનગરની મહિલાએ પોતાની જ ૭ વર્ષની પુત્રીનુ અપહરણ કર્યુ

છુટાછેડા બાદ આણંદમાં રહેતી માતાનુ કારસ્તાન

વઢવાણ તા. ૧૦: આણંદ શહેરની માનીયાની ખાડમાં આવેલી જગદંબા સોસાયટી નજીકથી આજે ભરબપોરના સુમારે સગી જનેતા દ્વારા પોતાની સાત વર્ષની પુત્રીનું કારમાં અપહરણ કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે શહેર પોલીસે  સુરેન્દ્રનગરની મહિલા સામે અપહરણનો ગુનો દાખલ કરીને કારના નંબરના આધારે નાકાબંધી કરોને તપાસ હાથ ઘરો છે.

મળતી વિગતો અનુસાર ટ્રાવેર્લ્સનો ધંધો કરતા ફરિયાદી સૌરભભાઈ બીપીનચન્દ્ર ઠક્કરના લગ્ન ૧૦ વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ગામે રહેતી સંધ્યાબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પુત્રી યાત્રી (ઉ. વ. ૭)અને પુત્ર જીહાન (ઉ. વ. ૫)નો જન્મ થયો હતો. પરંતુ ત્યારબાદ બન્ને વચ્ચે મનમેળ ના થતાં એક વર્ષ પહેલા જ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા થયા હતા. ત્યારે સંધ્યાબેને ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જે શરતો કરો હતી તેમાં બન્ને સગીર બાળકોના ભરણપોષણ અને લાલનપાલનની જવાબદારી પિતાના શિરે રહેશે તેમ જણાવ્યું હતુ. જેથી બન્ને સંતાનો પિતા સૌરભભાઈ પાસે જ રહેતા હતા.

આજે સવારના સુમારે ૭ વર્ષીય યાત્રી સ્કૂલે ગઈ હતી અને ત્યાંથી બપોરના ૨.૫૦ મિનિટે સ્કૂલવાનમાં પરત આવીને ચાલતા-ચાલતા ઘર તરફ જતી હતી ત્યારે જીજે-૧૩ પાસીંગની એક ગ્રે કલરની ડસ્ટર કારમાં બુરખો પહેરેલી બે સ્ત્રીઓ ઉતરીને યાત્રીને બળજબરીપૂર્વક ઊંચકીને કારમાં બેસાડી દઈ ફરાર થઈ ગયા હતા. કારમાં અન્ય બે પુરૂષો પણ સવાર હતા. નજરે જોનાર હિમાંશુભાઈ રાણાએ સૌરભભાઈના માતાને કરતાં જ તેમણે પુત્રને મોબાઈલ ફોન કરીને જાણ કરી હતી. જેથી ગભરાઈ ગયેલા સૌરભભાઈ આણંદ શહેર પોલીસ મથકે આવી પહોંચ્યા હતા જ્યાં તેમના મોબાઈલ ઉપર સંધ્યાનો ફોન આવ્યો હતો અને તેણીએ પુત્રી યાત્રી સાથે વાત કરાવી હતી કે, હું મમ્મી સાથે જાઉ છું, વેકેશન પછી આવીશ. જેથી સૌરભભાઈને ખાત્રી થઈ ગઈ હતી કે, છૂટાછેડા લીધેલી પત્ની સંધ્યા જ પુત્રી યાત્રીનું અપહરણ કરીને લઈ ગઈ હતી. જે અંગે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(1:17 pm IST)