સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ખંભાળિયા તાલુકામાં ડેન્ગ્યુના વધુ ૧૦ કેસઃ સફાઇની નબળી કામગીરી મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા નોટીસ

ખંભાળિયા તા.૧૦ : શહેરમાં તેમની આરોગ્યની જાળવણી માટે સાફ સફાઇ તથા સ્વચ્છતા રાખવાની જવાબદારી જેની છે તે પાલિકાના વિસ્તારમાં ગંદા પાણી તથા ઠેક ઠેકાણે પાણીમાં  મચ્છરોના પોરા નીકળતા આરોગ્ય વિભાગ દ્વારા ખંભાળિયા પાલિકા તંત્રને વધુ એક વખત નોટીસ આપવામાં આવી છે.

અગાઉ સુચના અને નોટીસ આપવા છતાં પણ પાલિકા તંત્રએ નકકર પગલા ના લેતા ગઇકાલે જિલ્લા આરોગ્ય વિભાગના વડા ડો. પટેલ દ્વારા વધુ એક નોટીસ  અપાઇ છે.

શહેર તથા તાલુકાના ગ્રામ્ય  વિસ્તારોમાં વધુ ૧૦ જેટલા ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. જેમાં હરસિધ્ધનગરના એ દર્દીને જામનગર ખસેડવામાં આવ્યા છે તો  યોગેશ્વરનગરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના પણ કેટલાક કેસો નોંધાયા છે.

આરોગ્ય  વિભાગનાડો. પટેલ તથા ડો. રાઠોડની ટીમ દ્વારા એમ.યુ. ડબલ્યુ.ની મદદથી ગઇકાલે ખંભાળિયા શહેરી વિસ્તારમાં જયાં પાણી ભરાયેલા છે તે વિસ્તારોમાં ભળેલું ઓઇલ પાણીમાં  છાંટીને પાણી મચ્છર મુકત બનાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા તથા અનેક વિસ્તારમાં આ કામગીરી કરાઇ હતી.

શહેરમાં અર્બન વિસ્તાર હોય પુરતો સ્ટાફ ન હોય ખંભાળિયામાં આવેલી બે નર્સીગ કોલેજના છાત્રોની મદદ આરોગ્ય વિભાગે લીધી છે તથા રોજ પ૦ -૬૦ છાત્રો ઘરે ઘરે જાગૃતતા માટેના પ્રયાસો હાથ ધરવા પ્રયત્નો કરાયા છે.

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં વ્યાપક મચ્છરો તથા તેના પોરા હોય મચ્છરોના નાશ માટે ફોગીગ મશીનનો વધુ ઉપયોગ કરીને દવા છંટકાવની માંગ કરાઇ છે.

હાલ જામનગરમાં રોજ ડેન્ગ્યુ તથા તાવના દર્દી વધી રહયા છે. રાજયમાં સૌથી વધુ છે પણ જો ખંભાળિયામાં આવી જ સ્થિતિ રહી તો ખંભાળિયા પણ ડેન્ગ્યુમાં બીજો નંબર આવી જાય તો નવાઇ નહી તેવું આ નિંભર તંત્રમાં લાગી રહયું છે.

(1:12 pm IST)