સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

પુત્રી જમાઇ અને વેવાણના અપહરણમાં વેવાઇ સહિત ત્રણ શખ્સોની ધરપકડ

માંગરોળની ઘટનામાં બોલેરો અને મોટર સાયકલ કબ્જે

જુનાગઢ તા. ૧૦ : પુત્રી, જમાઇ અને વેવાણના અપહરણમાં માગરોળ પોલીસે વેવાઇ સહિત ૩ શખ્સોની ધરપકડ કરી બોલેરો અને મોટર સાયકલ કબ્જે કરી અન્ય અપહરણકારોની શોધખોળ હાથ ધરી છે.

પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામે રહેતા રાવલ અરજણભાઇ માવદીયા (ઉ.વ.રપ) એ માંગરોળના મધરવાડા ગામનાં ભનુભાઇ ઉર્ફે મસરીયા મુળુભાઇ ધુડા ઉર્ફે ચુડાસમાની પુત્રી શાંતી સાથે દોઢેક મહિના અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા.

દરમિયાન ગઇકાલે રાહુલ માવદીયા તથા તેની પત્ની શાંતીબેન, ભાઇ હરેશ તેમજ માતા હંસાબેન કેશોદ  કોર્ટમાં આવ્યા હતા અને ત્યાંથી પરત જતા નીકળ્યા હતા. તેઓ એસ.ટી. બસમાં માંગરોળ ચોકડીએ પહોંચ્યા હતા.

આ લોકો બસમાંથી ઉતર્યા ત્યારે જીજે૧૧-ટીટી ૦૧૭૧ નંબરની બોલેરો પીકઅપ વાન અને બાઇક ધસી આવ્ય હતુ.

જેમાંથી ભનુભાઇ મસરીભાઇ ભુરાભાઇ મુળુભાઇ કાનો ભનુભાઇ રવિ ભુરાભાઇ, જોશનાબેન મુકેશ સોલંકી નારણ જેસલભાઇ સોલંકી, જેન્તીભાઇ સોલંકી અને ભાવેશ ગોવિંદભાઇ કાથડ ઉતર્યા  હતા.

આ શખ્સો રાહુલ, શાંતીબેન અને હંસાબેનનું બોલેરોમાં અપહરણ કરી મધરવાડા ગામે લઇ ગયા હતા.

આ અંગેની ફરિયાદ થતા જ એસ.ટી. સૌરભ સિંઘની સુચનાથી ડીવાયએસપી પી.જે.બી. ગઢવી, કેશોદ અને માંગરોળ પોલીસે લોકેશન કેસ કરીને ત્રણેયને મધરવાડા ખાતેથી છોડાવ્યા હતા.

આ સાથે પોલીસે ભનુભાઇ ઉર્ફે મસરીભાઇ ધુળા, ભાવેશ ગોવિંદભાઇ કાથડ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી  હતી. તપાસનીસ માંગરોળના પીએસઆઇ દિલીપસિંહ વાઘેલાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે અપહરણ માટે ઉપયોગમાં લેવાયેલ બોલેરો અને મોટર સાયકલ કબ્જે કરવામાં આવેલ તેમજ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને શખ્સોની શોધખોળ જારી છે.

(1:12 pm IST)