સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

જામનગરના મેરામણભાઇ ચાવડા માટે આયુષ્માન ભારત યોજના ઈશ્વરીય આશિર્વાદ સમાન બની

હૃદયની તકલીફમાં પૈસા ખર્ચી શકવાની તાકાત ન હોતા ભગવાન ભરોસે જાતને મુકી

જામનગરઃ 'પહેલું સુખ તે જાતે નર્યા'ઙ્ગ સુખદ આરોગ્ય માટેની આ કહેવત દરેક વ્યકિત માટે લાગુ પડે છે, પરંતુ આજની વ્યસ્ત જિંદગીમાંઙ્ગઆરોગ્યની દરકાર લેવાનો સમય કયાં? વળી સામાન્યઙ્ગ મધ્યમવર્ગીય પરિવારો નાનાં સપનાઓને સાકાર કરવા સતત દોટ મૂકીને આજના જીવનની રેસમાં દોડતા હોય છે ત્યારે તંદુરસ્ત આરોગ્ય માટે સમય અને મૂડી ખર્ચ કરવાનું તેઓ ટાળતા હોય છે અને જો આવા સમયે અચાનક જ પરિવારના કોઈ સભ્યને કોઈ મોટી બીમારી આવી પડે તો તે મોટી આફતરૂપ બની જતી હોય છે. પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જ વિચાર સાથે, લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના આયુષ્માન ભારત અમલમાં મૂકી લોકોને આરોગ્યના મોંદ્યાદાટ ખર્ચ કરી શકવાની અસમર્થતાને કારણે માનવ જીવન ગુમાવવા જેવી મુશ્કેલીઓમાંથી ઉગાર્યા છે.

જામનગરના આવા જ એક મધ્યમવર્ગીય પરિવારના મેરામણભાઇ ચાવડાને થોડા મહિના પહેલા છાતીમાં દુખાવો થતાં જામનગરમાં હોસ્પિટલમાં દાખલ કર્યા જયાંથી તેમને રાજકોટ ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. નિદાનમાં હૃદયની ચાર નળીઓ બ્લોક આવતા બાયપાસ સર્જરી કરાવવાની જરૂરિયાત ઊભી થઈ. નળીઓના બ્લોક વિશે અને લાખોના ખર્ચે થતી તેની સારવાર વિશે સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું પરંતુ સારવાર કરાવવી આવશ્યક હતી. મેરામણભાઇ થોડા સમય પહેલાં જ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડના લાભાર્થી બન્યા હતા ત્યારે મેરામણભાઇના પુત્રએ હોસ્પિટલના માહિતી કેન્દ્ર પર તપાસ કરતા તેમને માહિતી મળી કે સ્ટર્લીંગ હોસ્પિટલ આ યોજના સાથે જોડાયેલી હતી. યોજના અંતર્ગત ઓપરેશન પહેલા અને પછીની તમામ સારવાર મેરામણ ભાઈનેઙ્ગ કાર્ડ પરથી મફતમાં ઉપલબ્ધ થઈ જેનો સામાન્ય ખર્ચ આશરે ત્રણ લાખ રૂપિયા હતો અને આજે મેરામણભાઇ સ્વસ્થ જીવન જીવે છે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડના લીધે તમામ સારવાર ગુણવત્તાયુકત અને નિશુલ્ક મળતા મેરામણભાઇ અને તેમનો પરિવાર સરકારનો આભાર માને છે તેમજ મેરામણભાઇ કહે છે કે,'જયારે મને મારા હૃદયની નળીઓ બ્લોક હોવાની ખબર પડી ત્યારે મેં મારા પરિવારને ખર્ચ કરવા ઉછી ઉધારા કરવાની ના પાડી અને કહ્યું કે ભગવાન ભરોસે રહીએ, આવા સમયે આયુષ્માન ભારત યોજના મારા માટે ખરેખર ભગવાન જેવી જ સાબિત થઈ છે. આવી રીતે સરકાર દ્વારા સતત લોકોની ચિંતા કરાઈ છે અને લોકો માટે આવી કલ્યાણકારી યોજના બનાવવા માટે હું સરકારશ્રીનો આભારી છું.

સંકલન-દિવ્યાબેન ત્રિવેદી, માહિતી મદદનીશ ફોટો.માહિતી બ્યુરો.જામનગર

(1:11 pm IST)