સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

રાજુલાની વચ્ચે મૌન ઉભેલો મોહન ટાવરને ર૦ વર્ષે બોલતો કરતા ધારાસભ્ય અંબરીશ ડેર

રાજુલા તા. ૧૦ : મોહન ટાવર કે જે રાજુલાની શાન છે અને આ ટાવર રાજુલાની ચડતી-પડતીનો સાક્ષી છે જેણે કેટ કેટલાય વર્ષોથી અડગ ઉભો રહીને રાજુલાનો વિકાસ ઝાંખી રહ્યો હતો. પરંતુ છેલ્લા લગભગ ર૦ વર્ષથી આ ટાવરે જાણે મૌન ધારણ કરેલ હોય તેમ તેના ડંડા બંધ પડી ગયેલા હતા અને ટાવરની ઘડીયાળ પણ બંધ હતી આ ટાવરની ઘડીયાળની સાથે રાજુલાનો વિકાસ અને રાજુલાની જનતા જનાર્દન પણ જાણે મૌન બની ગયેલ હતી.ર૦ વર્ષ બાદ રાજુલા પાલીકામાં ધારાસભ્ય અંબરીશ ડેરની આગેવાનીમાં ઉતાર ચઢાવ વ્ચ્ચે ફરીવાર શાસનની ધુરા સંભાળેલ હતી અને નગરપાલીકાના પ્રમુખ કાન્તાબેન કિશોરભાઇ ધાંખડા અને ઉપપ્રમુખ કનુભાઇ ધાંખડા ચુટાઇ આવેલા ત્યારે પ્રથમ દિવસથી જ ધારા સભ્ય દ્વારા મૌનધારણ કરીને ઉભેલા ટાવરને બોલતો કરાવવા માટે સુચના આપેલ હતી.

દશેરાના દિવસે રાજુલાની શાનસમો મોહન ટાવરને બોલતો કરવામાં આવ્યો એટલે કે ટાવરની ઘડીયાળ શરૂ કરીને તેમાં પૂર્વવત ડંકાઓ વાગતા કરવામાં આવ્યા. જેવી રીતે મૌનધારણ કરેલ ટાવર બોલતો થયો તેવી રીતે રાજુલાની જનતા પણ અન્યાય સામે અવાજ ઉઠાવતી અને ટાવરના ડંકાની જેમ બોલતી થાય તેવુ ધારાસભ્યશ્રીનું સુચન છે તેમજ મોહન ટાવરના ડંકા વાગતા ધારાસભ્ય અંબરીશ ડેરના ઘંટડીઓમાં અભિનંદનની વર્ષા થયેલ છે. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા તાજેતરમાં હોસ્પીટલનું ખાતમુર્હુત કર્યું બાદમાં નગર પાલીકા પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોની સાથે રહીને મોહન ટાવરનો બોલતો કર્યોતેમજ કેટલાક વિકાસના કાર્યોને પણ વેગવાન બનાવ્યા પરંતુ લોકોને ચૂંટણી સમયે ૧ર મુદાઓ લોકો સમક્ષ મુકીને લોકલાગણી જીતી લીધેલ જેમાનો એક મુદ્દો ખુબજ જરૂરી છે કારણ કે રાજુલાના લોકોને ફરવા માટે કોઇ ગાર્ડનની સુવિધા નથી કે સવારે સાંજે ચાલવા માટે વોકીંગ પાર્કની કોઇ સુવિધા રાજુલામાં નહી હોવાથી લોકોને હાઇ-વે રોડ પર ચાલવા જવુ પડે છે જેથી વોકિંગ પાર્ક અને ગાર્ડનની સુવિધા ધારાસભ્ય અંબરીશ ડેર કયારે પૂર્ણ કરવામાંં આવશે તેવો વેધક સવાલ લોકોમાંથી પુછાઇ રહ્યો છે. જેથી તાત્કાલીક ધોરણે ૧ર મુદાઓમાંનો આ એક મુદ્દો પુરો કરવા લોક માંગણી પણ ઉઠેલ છે રાજુલા વિસ્તારમાં કાયદો વ્યવસ્થની સ્થિતી સારી છે તેમજ વિકાસના કામો પણ થઇ રહ્યા છે. પરંતુ રાજુલાની જનતાને વોકિંગ પાર્ક અને ગાર્ડન સુવિધા કયારે પુરી પાડવામાં આવશે તેવી લોક માંગ છે.

(1:10 pm IST)