સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

વિંછીયામાં પ્રેમ પ્રકરણની આશંકાએ કોળી સમાજના બે જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણુઃ બન્ને જુથના ૧૫ને ઈજા

સ્થાનિક પોલીસ દ્વારા બનાવ સંદર્ભે માહિતી આપવાનો ઈન્કારઃ માહિતી જોતી હોય તો રૂબરૂ આવોઃ પત્રકારોમાં રોષ

રાજકોટ, તા. ૧૦ :. વિંછીયામાં પ્રેમ પ્રકરણની આશંકાએ કોળી સમાજના બે જુથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ ખેલાતા બન્ને પક્ષના ૧૫થી વધુ લોકોને ઈજા થઈ છે અને આ અંગે પોલીસમાં સામસામી ફરીયાદ થઈ છે.

વિંછીયા ગામે કોળી સમાજના બે જુથો વચ્ચે પ્રેમ પ્રકરણના મામલે ધિંગાણુ સર્જાતા બન્ને જુથના ૧૫થી વધુ લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયેલ છે. ગામના મેઈન માર્કેટમાં થયેલ જુથ અથડામણનો આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. ઘટનાના પગલે ગામમાં ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. જો કે વિંછીયાના પીએસઆઈ એન.જે. પરમારે તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ સ્થિતિ થાળે પાડી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પીટલમાં ખસેડયા હતા.

દરમિયાન આ અંગે વિંછીયા પોલીસમાં આ ઘટના સંદર્ભે માહિતી લેવા પત્રકારોએ ફોન કરતા ફરજ પરના પી.એસ.ઓ.એ ઘટનાની માહિતી જોતી હોય તો રૂબરૂ આવો. ફોન પર માહિતી આપવામાં નહિ આવે તેવુ કહેતા પત્રકારોમાં રોષ ફેલાયો છે. પી.એસ.ઓ.ની ફરજમાં બેદરકારી અંગે પત્રકારો દ્વારા રૂરલ એસપીને રજૂઆત કરાયેલ છે.

દરમિયાન આ જુથ અથડામણની ઘટના અંગે વિંછીયા પોલીસે બન્ને જુથની ફરીયાદો અંગે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(૨-૫)

(11:43 am IST)