સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

ધોરાજીમાં ઉપવાસ આંદોલન છતાં તંત્ર દ્વારા નિરાકરણ ન કરાતા રોષ

ધોરાજી તા ૧૦  : ધોરાજીના ડે. કલેકટર ઓફીસ પાસે પૂર્વ ફોઝી અને સામાજીક કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠેલ હોવા છતાં અધીકારીઓ દોડાદોડી કરે છે અને કોઇપણ કામગીરી થતી નથી, રોડ રસ્તાઓમાં ખાડાઓને લીધે  વૃધ્ધો,  વિદ્યાર્થીઓ અને વાહનચાલકો હેરાન પરેશાન છે, એક તરફ દિવાળીનો તહેવાર આવી રહેલ છે અને બીજી બાજુ ધોરાજી ખાતે ઉર્ષની તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે.

છતાં  પણ ધોરાજીના જમનાવડ રોડથી જેતપુર રોડથી સરદારની પ્રતીમા સુધીના ખાડાઓ અધિકારીઓને દેખાતા નથી, બીજી બાજુ રોગચાળો બે કાબુ બનેલ છે. ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓની લાઇનો લાગે છે, પણ રોગ ચાળો કાબુમાં આવતો નથી. આ અંગે તંત્રએ પગલાઓ લેવા જોઇએ.

બીજી તરફ પૂર્વ ફોઝીએ દેશ માટે લડાઇઓ લડેલ અને હવે લોકો માટે ઉપવાસ પર બેઠા એ ઘણુ કહી જાય છે. તંત્રએ યોગ્ય કરવું જોઇએ એમ લોક માંગ ઉઠી છે. આ ઉપવાસ આંદોલનમાં વિઠલભાઇ હિરપરા તેમજ સામાજીક આગેવાનોમાં હિન્દુ મુસ્લીમ સમાજના અગ્રીઓ એ પણ ટેકો આપેલ છે

(11:40 am IST)