સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th October 2019

અમરેલી જિલ્લામાં ૯ કેન્દ્રો પર ર૧૯૮ ઉમેદવારો પરીક્ષા આપશે

૧૩ ઓકટોબરના યોજાનાર GPSCની પરીક્ષાના આયોજન અંગે બેઠક યોજાઇ

અમરેલી, તા. ૧૦ : ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) તરફથી ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ ગુજરાત મુલકી સેવા વર્ગ-૧ અને ર તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-ર ની પ્રિલિમિનરી પરીક્ષા આગામી તા. ૧૩-૧૦-ર૦૧૯ના રોજ યોજાનાર છે. જેના અનુસંધાને કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પરીક્ષાના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા નિમણૂંક હુકમ આપવામાં આવ્યા હતાં. ઝોનલ અધિકારીશ્રીઓ, આયોગના પ્રતિનિધિઓ તથા તકેદારી અધિકારીઓ ઉપરાંત કેન્દ્ર સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને પરીક્ષા સંબંધે કલેકટરશ્રી દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં કુલ ૯ પરીક્ષા કેન્દ્રો પર ૯ર બ્લોકમાં કુલ ર૧૯૮ ઉમેદવારો આ પરીક્ષા આપશે.

આ બેઠકમાં અધિક કલેકટરશ્રી એ.બી. પાંડોર, પ્રાંત અધિકારીશ્રી સતાણી, પ્રાંત અધિકારીશ્રી ઓઝા, પીજીવીસીએલ, એસ.ટી. નિગમ, જિલ્લા તિજોરી કચેરી, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ બેઠકમાં હાજર રહ્યા હતાં. તમામ સંબંધિત અધિકારીઓને કરવાની થતી કામગીરી અંગે કલેકટરશ્રીએ જરૂરી સુચનાઓ આપી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

(11:37 am IST)