સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th October 2018

કચ્છના રાપર એપીએમસીમાં કોંગ્રેસ - ભાજપના અસંતુષ્ટ જુથ એક થતાં ભાજપનો પરાજય

ભુજ તા. ૧૦ : રાપર APMC ના ૮ સભ્યોની પેટા ચૂંટણી એ બધાને એ બતાવી દીધું કે રાજકારણમા કયારેય કોઈ કાયમી દુશ્મન કે કાયમી દોસ્ત હોતું નથી. રાજકારણ એ શતરંજ ની ચાલ જેવું છે. રાપર APMCના ૧૬ સભ્યો વચ્ચે ખેલાયેલા ચૂંટણી જંગ પહેલાં જ કચ્છે સૌ પ્રથમ વાર એ લખ્યું હતું કે, આ જંગ મા ગત વિધાનસભા ચૂંટણી ના કોંગ્રેસ અને ભાજપના બે કટ્ટર હરીફો એક થઇ ગયા છે અને ભાજપને જ ભાજપ હરાવશે. આજે પરિણામો મા એ જ વાત સામે આવી. ભચુ આરેઠીયા અને પંકજ મહેતાની યુતિ સફળ રહી અને ભાજપના રાપર ના મોટા નેતાઓ ને હાર નો સામનો કરવો પડ્યો. આ ચૂંટણી કાંટા ની ટક્કર સમાન હતી અને એટલે જ તો ૯૬ ટકા જેટલું ભારે મતદાન થયું હતું. વળી, આ ચૂંટણી ના પ્રત્યાઘાત સમગ્ર કચ્છ સહિત છેક મુંબઈ સુધી પડ્યા હોઈ સૌની નજર એના પરિણામો ઉપર હતી. મુંબઈના પટેલ અને જૈન ઓસવાળ સમાજ આ ચૂંટણી માટે સક્રીય થઈ ગયો હતો.

રાપર APMCમા પહેલા વિજેતા ઉમેદવારોની વાત કરીએ તો, વિજયી થયેલા ૮ ઉમેદવારોમાં રાપર તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ હમીરજી સોઢા, રાપર નગરપાલીકાના માજી પ્રમુખ પુંજાભાઈ ચૌધરી, કચ્છ ડીસ્ટ્રીકટ કો. બેંક ના ડાયરેકટર ઘનશ્યામ પુજારા, રાપર તાલુકા ભાજપના ઉપપ્રમુખ વણવીરભાઈ ભોજભાઈ સોલંકી, વાધેલા ગજેન્ધ્સિંહ મંગરૂભા, પરમાર ધર્મેન્દ્રસિંહ દૂદાભાઈ, વાઘેલા મહેન્દ્ સિંહ મદારસિંહ, ભરવાડ ધારાભાઈ રાજાભાઈનો સમાવેશ થાય છે. જયારે હારનારા ઉમેદવારોમા મોટું નામ જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા ના ભાઈ પ્રદીપસિંહ સોઢાનો સમાવેશ થાય છે. પ્રદીપસિંહ સોઢા કેડીસીસી બેંક ના વાઇસ ચેરમેન પણ છે. બીજા એવા જ પરાજિત થનાર યુવા પટેલ નેતા વિરજી મોર છે, જિલ્લા ભાજપના મંત્રી વિરજી મોર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પણ છે.તે સિવાય રામજીભાઈ ચાવડા, ભીમજીભાઈ પરમાર, કુંભાભાઈ મકવાણા,રવિલાલ સોની ની હાર થઈ છે. તો બીજા બે હારનારા પંકજ મહેતા ગ્રુપના છે, અને તેઓ જિલ્લા પંચાયતના સભ્યો છે, કાનાભાઈ આહીર અને કરશનભાઇ મંજેરી છે. આમ રાપર APMCનો ચૂંટણી જંગ પણ ૨૦૧૯ પહેલાના ટ્રેલર જેવો છે. રાપરમાં લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય નવાજુનીની ચર્ચા અત્યાર થી જ થઈ રહી છે ત્યારે બે રાજકીય હરીફોની દોસ્તી કદાચ નવા જ સંકેતો નો ઈશારો કરી રહી છે, એટલે જ કદાચ રાપર ભાજપના આંતરિક રાજકારણ મા ભાજપ નું મોવડી મંડળે ચૂપ રહી ને તેલ અને તેલની ધાર જોવાનું મુનાસિબ માન્યું.(૨૧.૯)

 

(12:04 pm IST)