સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th September 2019

ઉના પાસે દ્રોણેશ્વર ગુરુકુળ દ્વારા જલ જલણી ઉત્સવ ઉજવાયોઃ જીતુભાઇ વાઘાણીનું જન્મદિને સન્માન

ઉના તા. ૧૦ :.. ગીરના અફાટ પ્રાકૃતિક સૌંદર્યમાં મછૂન્દ્રી નદીના તટે સ્વામીનારાયણ ગુરૂકુળ દ્રોણેશ્વર ખાતે માધવપ્રિયદાસજી સ્વામી અને બાલકૃષ્ણદાસજી સ્વામીની પાવન નિશ્રામાં જળ ઝીલણી મહોત્સવ ઉજવાયો હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર તથા મહામંત્રી મહેન્દ્રભાઇ પિઠીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીને જન્મદિવસ હોઇ પૂજય સંતોએ એમને સવિશેષ જનસેવા કરી શકે તેવા આશીર્વાદ સાથે સન્માન કર્યુ હતું.એસજીવીપી ગુરૂકુળ પરિવાર દ્વારા છેલ્લા ત્રીસથી વધુ વર્ષથી નાઘેર પંથકમાં દ્રોણેશ્વર મહાદેવજીના તથા કષ્ટભંજન દેવના સાનિધ્યમાં મચ્છુન્દ્રી ગંગાના કિનારે આ મહામૂલો ઉત્સવ ઉજવાય છે. આ મહોત્સવ ન માત્ર ધાર્મિક જ બની રહે છે પરંતુ આવનાર સૌ કોઇ ને જીવન બોધપાઠ મળે એવા આયોજન કરાય છે. મુખ્ય કાર્યક્રમ નદી પૂજન, ચાર આરતી, ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રાસ-નૃત્ય, સફાઇ અભિયાન, પ્લાસ્ટિકથી પૃથ્વી બચાવો, પૂજય સંતોના આશીર્વચન આપ્યા હતાં.ઉત્સવના દસ દિવસ પહેલાં સંસ્થાના  અધ્યક્ષ પૂજય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને આજ્ઞાથી અમરેલી જીલ્લાના અને ગીર સોમનાથ જીલ્લાના સૌથી વધુ ગામોમાં એસજીવીપી ગુરૂકુળના ર૦ જેટલા પૂજય સંતો વિચરણ કરી સફાઇ અભિયાનની   ઝૂંબેશ ચલાવે છે.

(11:42 am IST)