સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th September 2019

ગોંડલ શ્રી રામજી મંદિરે કાલે ભાગવત્ કથાનો વિજયભાઈની ઉપસ્થિતિમાં વિરામ

પૂ. હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં આયોજીત ભાગવત્ કથા સાતમો દિવસઃ વ્યાસપીઠ સંવાદિતાની પીઠ છે, વિવાદ કરી આપણે આપણુ છીછરાપણુ પ્રગટ કરી રહ્યા છીએઃ પૂ. ભાઈશ્રી

ગોંડલ, તા. ૧૦ :. ગોંડલના શ્રીરામજી મંદિરે પૂ. હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને આયોજીત શ્રીમદ્દ ભાગવત કથા કાલે વિરામ લેશે. કાલે સવારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કથાનું રસપાન કરશે.

ગોંડલ રામજી મંદિરે અષ્ટોત્ત્।ર શ્રીમદ ભાગવત સપ્તાહ ના શષ્ટમ દીને પૂજય ભાઇ શ્રી રમેશભાઇ ઓઝા એ શ્રોતાઓને કથાનું રસપાન કરાવવાની સાથે વ્યાસપીઠ નું મહત્વ સમજાવ્યું હતું અને વ્યાસપીઠને સંવાદિતાની પીઠ ગણાવી હતી.

પૂજય હરિચરણદાસજી મહારાજની નિશ્રામાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ વેળાએ વ્યાસપીઠ પરથી પૂજય રમેશભાઈ ઓઝાએ શ્રોતાઓને કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે વૈકુંઠ, શાકેત કે અક્ષરધામ આ બધું એક જ છે, મે સાહિત્યો વાંચ્યા છે એટલે ધક્કો લાગ્યો છે, પોતાના ધામને ઊંચું દેખાડવા માટે બીજાને નર્ક સાથે સરખામણી એ પાગલપન નહિ મૂર્ખતા છે, તમારું ઊંચું દેખાડવાની કોશિશથી બીજાના ભગવાનને ઠેસ પહોંચે છે, તેવા કામ ન કરો એ બધા કામ નકામાં છે, આવું તો શું પાગલપન છે ?

કથા સાંભળવા જાઓ ત્યારે એવું કરજો કાન કથા ને આપજો પણ ધ્યાન કથા ખૂબ જ ભાવથી સાંભળતા અને આંખમાંથી અશ્રુધારા વહેતા શ્રોતાને આપજો જેથી તમને એ શ્રોતાના ભાવનો ખ્યાલ આવશે, શ્રીનાથજી ના દર્શને જાઓ ત્યારે શ્રીનાથજીના ભાવથી દર્શન કરતા ભકત ને ધ્યાન આપજો તેમાં પણ તમને દર્શનાર્થી ના ભાવ નો ખ્યાલ આવશે.

આચાર્ય, મહાપુરુષોએ રસ્તા દેખાડયા છે, જેને સ્તુતિની માન્યતા હોય તે પ્રમાણે ઇષ્ટદેવ હોય છે, આચાર્ય રામાનુજ, લક્ષ્મીનારાયણ, રામાનંદ આચાર્ય, સીતારામ, રાધાકૃષ્ણ દેવ મારા ઇષ્ટ છે. સેવાની પરંપરા વલ્લભ પરંપરા અનુસાર કરવી, એક એક માર્ગદર્શન સ્પષ્ટ કરી શ્રી સહજાનંદ સ્વામી મહારાજે બહુ કૃપા કરી છે. તેમણે કેટલું મોટું કાર્ય કર્યું છે એ જમાનામાં કેટલા લોકોને દારૂ-માંસ છોડાવ્યા છે, એટલું જ નહીં કાંદા અને લસણ છોડાવી દીધા છે, કાંદા અને લસણ સંતાઈને ન ખાવા, મન થયું હોય તો ખાઈ લેવા પણ ખોટો દંભ ન કરવો, દ્યણા લોકો કાંદા લસણ નખાય પણ લાંચ ખાય છે, પાણી સાત ગરણી ગાળી ને પીવે છે પરંતુ લોકોનું લોહી ઊભા-ઊભા પીવે, એટલે એવો દંભ ન કરવો, દરેક મહાપુરુષનું આગવું પ્રદાન રહ્યું છે, આપણે આપણા સદગુરુને પણ ભગવાન જ માનીએ છીએ આપણી સમજ છીછરી હોય ત્યાં આપણે વિવાદ જગાડવાની કોશિશ કરીએ છીએ, જેની કોઈ આવશ્યકતા નથી, પણ સમજવાની જરૂર ખરી અતિશયોકિત થવી ન જોઈએ તેવું આજે ખાસ જણાવ્યું હતું.

(11:36 am IST)