સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th August 2018

કુતિયાણા પંથકમાં મગફળી કૌભાંડની રાવ કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વમાં આવેદન પાઠવાયું

કોટડા અને રોધડા ખરીદ કેન્દ્ર પર ઉઘરાણાના આક્ષેપઃ મગફળીની ચોરી થયાનો ઉલ્લેખ

કુતિયાણા પંથકમાં પણ મોટું મગફળી કૌભાંડ થયાના આક્ષેપ સાથે કુતિયાણા શહેર કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી હતી. તે વેળાની તસ્વીર નજરે પડે છે.

કુતિયાણા તા.૧૦: કુતિયાણા પંથકમાં પણ મોટા મગફળી કૌભાંડ થયાના સીલસીલા બંધ આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કથિત કૌભાંડની તપાસ કરવા માંગણી કરી છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોના નેતૃત્વમાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવીને જણાવાયું હતું કે, સમગ્ર ગુજરાતમાં મગફળી કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે કુતિયાણા તાલુકાની કોટડા સેવા સહકારી મંડળી અને રોધડા સેવા સહકારી મંડળીને ખરીદ કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા અને આ બન્ને સંસ્થાઓએ ખેડૂતો પાસેથી મોટી રકમના ઉઘરાણા કર્યાના આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં પરંતુ માટીની મિલાવટ પણ કરી હોવાના ગંભીર આક્ષેપ થયા છે અને તે અંગેની કેટલીીક ઓડીયો અને વિડીયો કલીપ વાયરલ થઇ હતી.

મગફળી રાત્રીના ચોરી કરેલ છે જે વેપારીને વહેંચેલ છે. રોઘડા મંડળીનો વિડીયો  વાયરલ થયેલ છે તેમજ બાંટવા બાયપાસમાં મગફળીથી ભરેલ એક ટ્રક પણ સળગેલ હતો જો તપાસ કરવામાં આવે તો આ ટ્રક સળગવા પાછળ કૌભાંડ બહાર આવે તેમ હોય તો તુરંત ફરીયાદ કરીને જે લોકો એ ખોટુ કરેલ છે તેના ઉપર કાર્યવાહી કરવા માંગણી કરી છે.

કોટડા, રોધડા, થેપડા અને માર્કેટીંગ યાર્ડમાં ખરીદી થઇ હતી. તેમાં અમુક મગફળીની ચોરી થયાનો આક્ષેપ કરીને તેના વિડીયો વાયરલ થયાનું પણ જણાવ્યુ હતું. ટ્રાન્સપોટીંગ પેમેન્ટમાં પણ શંકા દર્શાવીને તટસથ તપાસની માંગણી કરી છે.

(4:13 pm IST)