સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th August 2018

મેંદરડા પાસે ટ્રક ઉપર વિજ તાર પડતા ડ્રાઇવર-કલીનરના મોત

લોખંડ ભરેલ ટ્રકમાં પંકચર પડયું: કલીનર મુન્નો ગામેતી ઉપર ચડી દોરડુ સરખું કરવા જતા હાથ અડી જતા વાયર તૂટીને પડયોઃ પોતાને ત્થા ડ્રાઇવર જહાંગીર મકરાણીને ઇજા થતા બન્નેના મોતઃ મૃતકો બન્ને તાલાલાનાઃ મુસ્લિમ સમાજમાં અરેરાટી

તસ્વીરમાં મૃતક ડ્રાઇવર અને કલીનર તથા ટ્રક નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : વિનુ જોષી, ગૌતમ શેઠ-મેંદરડા-જુનાગઢ) (પ-૧૪)

મેંદરડા -  જૂનાગઢ તા. ૧૦ :.. મેંદરડા પાસે રાત્રે લોખંડ ભરેલ ટ્રક ઉપર વિજ વાયર તૂટતા તાલાલાના ડ્રાઇવર અને કલીનરનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ થતાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, ગીર સોમનાથ  જિલ્લાના તાલાલા રહેતા જહાંગીર વલી મહમદ બ્લોચ (ઉ.૩પ) મકરાણી અને કલીનર રહીમ ઉર્ફે મુન્નો ઇસાભાઇ નારેજા (ઉ.૩ર) ગામેતી રાત્રે ૧ર.૩૦ ના અરસામાં જીજે-૧૬-વી-૪૩૧૦ નંબરનાં ટ્રકમાં લોખંડનો ભંગાર ભરીને જતા હતાં.

ત્યારે જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા પાસે પહોંચતા મા કૃપા હોટલ પાસે પંચર પડતા અહીં ઇન્ડીયન ટાયર નામની દુકાને ટ્રકનાં વ્હીલમાં પંચર કરાવવા ઉભા હતાં.

ત્યારે કલીનર રહીમભાઇ ટ્રક ઉપર ચડીને દોરડુ ટાઇટ કરતો હતો તેવા સમયે ટ્રક ઉપરથી પસાર થતી ૧૧ કેવીની હેવી  વીજ લાઇનના વાયરેન રહીમભાઇને હાથ અડી જતાં જીવંત વીજ વાયર તૂટીને ટ્રક ઉપર પડયો હતો.જેમાં રહીમ અને ટ્રક ડ્રાઇવર જહાંગીરભાઇને ગંભીર ઇજા થતા બંનેને તાત્કાલીક ૧૦૮ મારફતે મેંદરડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.

પરંતુ ફરજ પરનાં ડો. બી. એમ. પરમારે બંનેને મૃત જાહેર કર્યા હતાં. વિશેષ તપાસ પોલીસ જમાદાર કે. બી. ચુડાસમા ચલાવી રહ્યા છે. (પ-૧૪)

(11:53 am IST)