સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th August 2018

ડેમમાં ઠેકડો તો મારીશ જ : લલીત વસોયા

કાલે ધોરાજીના ભુખી ગામે 'ભાદર બચાવો સંમેલન' : ૧ર ધારાસભ્યો અને હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે

રાજકોટ તા. ૧૦ :.. ભાદર ડેમ અને નદીમાં જેતપુરના ડાઇંગ-પ્રિન્ટીંગના એકમો દ્વારા ઠલવાતા કેમીકલ યુકત પાણી સામે આંદોલનનું રણશીંગ ફુંકનાર ધોરાજી-ઉપલેટાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ ભાદર ડેમમાં જળસમાધીની ચિમકી આપી છે. આ અંગે ધારાસભ્ય લલીતભાઇ  વસોયાએ 'અકિલા'ને જણાવ્યુ હતું કે, કાલે ડેમમાં ઠેકડો તો મારીશ જ.

લલીતભાઇ વસોયાએ જણાવ્યું કે કાલે સવારે ભાદર બચાવો સંમેલન યોજાશે. જેમાં ૪ થી પ હજાર લોકો ઉમટી પડશે.

આ પ્રદુષણ મુદે અનેક વખત રજૂઆતો  કરવા છતાં સરકાર કે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પ્રશ્ન માટે જીવનની આહુતી આપવી પડે તો પણ આપવા તૈયાર છુ. તેમ લલીતભાઇ વસોયાએ જણાવ્યું હતું.

ધોરાજીનો અહેવાલ

ધોરાજી  : ભાદર નદીમાં જેતપુરનાં ડાઇંગ - પ્રીન્ટીંગનાં એકમો દ્વારા લોકમાતા ભાદરમાં કેમીકલયુકત પાણી ઠાલવી સમગ્ર નદી અને ડેમનાં પાણી દુષીત થતા હોવા સામે સાચા જન પ્રતિનિધિ તરીકે રણશીંગુ ફુંકનાર લડાયક ધારાસભ્ય લલીત વસોયા એ તા. ૧૧-૮-૧૮ ને શનીવારે જળ સમાધીની ચીમકી ઉચ્ચારી છે. તેમ છતાં સરકારે દોષીતો અને જવાબદારો સામે ન્યાયીક પગલા નહી ભરતા તા. ૧૧-૮-૧૮ શનીવારે સવારે ૧૦ કલાકે ભુખી ગામે મહાસભા અને જળ સમાધી કાર્યક્રમ યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના ૧ર ધારાસભ્યો અને પાસનાં પ્રણેતા હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે.

ધારાસભ્ય લલીત વસોયા ઉપરાંત તેમને સમર્થન આપવા ધારાસભ્યોની યાદી મુજબ લલીત કગથરા, પરષોતમ, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચીરાગ કાલરીયા, પ્રવિણભાઇ મુછડીયા, જે. વી. કાકડીયા, પ્રતાપ દૂધાત, ભીખાભાઇ જોશી, બાબુભાઇ વાજા, તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતના કોંગ્રેસી આગેવાનો વિવિધ રાજકીય-સામાજીક સંસ્થાનાં અગ્રણીઓ ટેકેદારો, સમર્થકો અને દુષીત પાણીથી પીડીત ૩૦ ગામોનાં ગ્રામજનો ભાદર બચાવો અભિયાનમાં જોડાશે.

તા. ૧૧-૮-૧૮ નાં ધોરાજી તાલુકાનાં ભુખી ગામે જળસમાધી અને ભાદર બચાવો મહાસભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવી સંભાવનાને ધ્યાને લઇ પોલીસ તંત્ર અને સરકારનો ઇન્ટેલીજન્સ વિભાગ એલર્ટ થઇ ગયો છે. (પ-૧૬)

(11:51 am IST)