સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th August 2018

ખેરવાના મહેન્દ્રસિંહ ઝાલાને આબિદે ધોકો ફટકાર્યોઃ દૂકાન ચાલુ રાખવી હોય તો પૈસા દેવા પડશે કહી ૪ હજાર પડાવી ગયો!

રાજકોટ તા. ૧૦: કુવાડવાના ખેરવા ગામે રહેતાં અને પીપરડી ગામના પાટીયા પાસે પાન-બીડીની દૂકાન ધરાવતાં મહેન્દ્રસિંહ સજુભા ઝાલા (ઉ.૫૬) નામના પ્રોૈઢ દૂકાને સાંજે એકલા હતાં ત્યારે ખેરવાના આબીદ અલીભાઇ બાદીએ આવી ઝાપટો મારી તેમજ ખભા પર ધોકો ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપી 'દૂકાન ખુલ્લી રાખવી હોય તો પૈસા દેવા પડશે' તેમ કહી ગલ્લામાંથી ચારેક હજાર રૂપિયાની રોકડ લઇ ભાગી જતાં આ પ્રોૈઢ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ જાણ કરતાં કુવાડવાના હેડકોન્સ. હમીરભાઇ સબાડે તેની ફરિયાદ પરથી આબીદ સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં નોંધાયું છે કે આબીદ પાની બીડીની કેબીને આવી ગાળો બોલતો હોઇ મહેન્દ્રસિંહે ગાળો બોલવાની ના પાડતાં ઝપાઝપી કરી હતી અને જમણા ખભે ધોકો ફટકારી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયો હતો.

જો કે મહેન્દ્રસિંહે એવો આક્ષેપ કર્યો છે કે આબીદે કારણ વગર ગાળો દઇ માર મારી દૂકાન ચાલુ રાખવી હોય તો પૈસા આપવા પડશે તેમ કહી ધમકાવી ગલ્લામાંથી ચાર હજાર રૂપિયા લઇ લીધા હતાં. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:45 am IST)