સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th August 2018

આટકોટનાં આગેવાનોએ મુકિ માનવતા નેવે

પાંચ વર્ષની ગરીબ બાળાની લાશ પડી હતીને સરપંચ, ઉપ સરપંચ સહિતનાઓએ ઉડાવી લાડવા-ગાંઠીયાની જયાફત

આટકોટ તા.૧૦: આટકોટમાં બે દિવસ પહેલા અત્યંત ગરીબ પરિવારની પાંચ વર્ષની બાળાનું પાણીનાં ટાંકામાં પડી જવાથી મોત થયું હતું આ બાળાની લાશ હજુ પડી હતી ત્યારે બાજુમાંજ ગામના સરપંચ લીલાવંતીબેન ખોખરીયા ઉપ સરપંચ ઇલાાબેન જોટંગીયા સહિતનાઓએ લાડવા-ગાંઠીયાની જયાફત ઉડાવતા ગામમાં આ આગેવાનો સામે ફિટકાર વર્ષી રહયો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ આટકોટના કેૈલાસ નગરમાં વર્ષોથી ઝુંપડા બાંધી રહેતા અને પ્લાસ્ટીકનો ભંગાર વેંચી રોજે-રોજનું કમાઇ ગુજરાન ચલાવતા અમૃતસિંહ સલાટની પાંચ વર્ષની પુત્રીનું પાણીના ટાંકામાં પડી જવાથી મોત થયું હતું. આ બાળાનું હજુ તો પી.એમ. પણ નહોતું થયું ત્યાં થોડે દૂર જ અચાનક ગોઠવાયેલા એક કાર્યક્રમમાં ગામના સરપંચ લીલાવંતીબેન ખોખરીયા, ઉપ સરપંચ ઇલાબેન જોટંગીયા, ન્યાય સમિતિના ચેરમેન ભાવનાબેન વિજયભાઇ ધમલ, તાલુકા યુવા ભાજપના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગ, હિંમતભાઇ કુંવરીયા સહિતનાઓએ આ કાર્યક્રમમાં સરકારી ખર્ચે લાડવા-ગાંઠીયાની જયાફત ઉડાવતાં ગ્રામજનોમાં ભારે ટીકા થઇ હતી.

ઉલ્લખેનીય છે કે મહિલા સ્વચ્છતા યોજનાના ભાગરૂપે અગાઉ આ કાર્યક્રમ જસદણના કોઠી ગામે ગોઠવાયો હતો ત્યાં ગામમાં એક મરણ થઇ જતાં કેૈલાસનગરમાં આ કાર્યક્રમ તાત્કાલિક આટકોટ ખાતે કૈલાસનગરમાં ગોઠવવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિક આગેવાનોને એ ન સમજાયું કે અહિ પણ પાંચ વર્ષની બાળાનું મોત થયું છે.

આ આગેવાનોને એ પણ ન યાદ આવ્યું કે સરકાર ખચે મંગાવેલા લાડવા-ગાંઠીયામાંથી થોડા આ ગરીબ પરિવારના ઝુંપડામાં જઇ ત્યાં ભુખ્યા બાળકોને ખવડાવીએ!

આટકોટનાં અમુક આગેવાનો આખો દિવસ સોશ્યલ મીડિયામાં તેમણે કરેલી નાની કામગીરીને મોટી દેખાડી લખાણપટ્ટી કરતા હોય છે પરંતુ ગામમાં અનેક મુશ્કેલીઓ કે પંચાયતના તેમના દ્વારાકે તેમના સાથી સભ્યો દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારો કેમ કયારેય લખતા નથી?

આ અંગે જસદણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગને પુછતા તેણે જણાવ્યું હતું કે હું કેૈલાસ નગરમાં યોજાયલા કાર્યક્રમમાં ગયો હતો પરંતુ મારે કામ આવી જતાં હું બહારથી જ નીકળી ગયો હતો.

આ ગરીબ બાળાનું મરણ થયું છે તે વિસતાર આમ તો સાવ પછાત વિસ્તાર છે પરંતુ આમ છતાં આ પછાત વિસ્તારનાં લોકોએ આ ગરીબ પરિવારની બનતી સહાય કરી તેની અંતિમ વિધિ પુરી કરાવી હતી પરંતુ આજ વિસ્તારમાંથી સભ્ય તરીકે ચૂંટાયેલા અને હાલ ઉપસરપંચ ઇલાબેન કે તાલુકા પંચાયતના સભ્ય અને ઇલાબેનના પીત નિલેશ જોટંગીયા, તલુકા યુવા ભાજપ પ્રમુખ અને આ વોર્ડના સભ્ય અલ્લાઉદ્દીન ફોગ, વિજય ધમલ હજુ સુધી આ ગરીબ પરિવારને મળવા પણ ગયા નથી જો કે ચૂંટણી આવશે ત્યારે મત માંગવા જરૂર જશે. આ બનાવથી આ આગેવાનોની ગામમાં ભારે ટીકા થઇ રહી છે.

(11:45 am IST)