કેશોદમાં ખાનગી સ્કુલના સંચાલકના પુત્રનો ધમકીથી શિક્ષીકા પર બળાત્કાર
ડોકયુમેન્ટ મેળવી તેનું મેરેજ સર્ટીફીકેટ પણ બનાવી લીધુઃ ભારે ચકચાર
જુનાગઢ તા.૧૦ : કેશોદમાં ખાનગી સ્કુલના સંચાલકના પુત્રએ તેની શાળામાં શિક્ષીકાની નોકરી કરતી યુવતી પર ધમકી આપી બળાત્કાર કર્યો હોવાની અને દુષ્કર્મીએ યુવતીના ડોકયુમેન્ટ મેળવી તેનું મેરેજ સર્ટી. પણ બનાવ લીધુ હોવાની ફરિયાદ યુવતીએ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કેશોદમાં ડીપી રોડ પર આવેલ ઉમિયાનગર-બે માં રહેતી એક વીસ વર્ષીય યુવતી તેના ઘરની બાજુમાં આવેલ વી.બી. એકેડેમી નામની ખાનગી શાળામાં શિક્ષીકાની નોકરી કરે છે.
ગત તા.૧૭-૧૧-ર૦ર૦ના અરસામાં વી.વી.એકેડેમીનાં સંચાલકનાં પુત્ર અભિષેક મનસુખભાઇ આંકોલા મોટર સાયકલ પર આ યુવતીને બેસાડી અક્ષયગઢ વાડી વિસ્તારમાં લઇ ગયો હતો. જયાં તેણી ઉપર દુષ્કર્મ આચર્યુ હતુ. દુષ્કર્મ બાદ અભિષેક આંકોલાએ યુવતીને કોઇને કહીશ તો નોકરીમાંથી કાઢી મુકીશ તેવી ધમકી આપી હતી.
આ પછી અભિષેક પોતાની સ્કુલ પર આવેલ પોતાના મકાને લઇ જઇ ત્યાં યુવતીની એકલતાનો લાભ લઇ ફરી બળાત્કાર ગુજાર્યો હતો.
એટલું જ નહિ આ શખ્સે તારા ડોકયુમેન્ટ સ્કુલમાં દેવાના છે તેમ કહી ડોકયુમેન્ટ મેળવી તેનું મેરેજ સર્ટીફીકેટ પણ બનાવી લીધુ હોવાની ફરિયાદ ગત રાત્રે ભોગ બનનાર યુવતીએ નોંધાવતા એએસઆઇ આર.એન. ત્રિવેદીએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
વિશેષ તપાસ ઇન્ચાર્જ પી.આઇ. એન.બી. ચૌહાણ ચલાવી રહયા છે.