સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th July 2020

વિસાવદર પંથકમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ : શહેરમાં વધુ 2 કેસ પોઝીટીવ

આજથી બજારો 3 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ : કુલ 5 દર્દી સારવાર તળે : લોકોમાં જબરો ફફડાટ

 

વિસાવદર : ગઇકાલે વિસાવદર શહેરમાં કોરોનાનો સૌપ્રથમ પોઝીટીવ કેસ મહિલા વન અધિકારીનો આવેલ જેના પરિણામે લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ..ત્યાંજ વિસાવદરના ગ્રામ્ય પંથકનાં જૂની ચાવંડ ગામનાં 60 વર્ષનાં પુરૂષનો આજે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ અને આજે તેમનુ મૃત્યુ નિપજતા વિસાવદર પંથકમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ નોંધાતા લોકોમાં જબરી ચિંતા વ્યાપી ગઇ છે.

દરમિયાન વિસાવદર શહેરમાં મહિલા વન અધિકારી ઉપરાંત આજે વધુ 2 કેસ નોંધાયા છે.જેમાં વિસાવદરમાં દરજી શેરીમાં રહેતા 72 વર્ષનાં પુરૂષ તથા વિસાવદરમાં મુરલીધર પ્લોટમાં રહેતા 52 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ  છે.

 આજે વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સનાં નેજા તળે મામલતદાર કચેરી ખાતે વ્યાપારીઓની યોજાયેલ એક બેઠકમાં વિસાવદરમાં વર્તમાન કોરોના મહામારીને ધ્યાને લઇ બજારો સવારે 8 થી 3 સુધી ખુલ્લી રાખવાનો સ્વયંભૂ નિર્ણય લેવાયાનુ અને નિર્ણયમાં શાકભાજીવાળાઓ પણ જોડાયાનુ ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબારે જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વિસાવદર તાલુકાનાં અત્યાર સુધીનાં કુલ-16 કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે.જેમાં મૃત્યુ-1, ડિસ્ચાર્જ-10 અને એકટીવ-5 છે.

(1:00 am IST)