સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th July 2018

મોજડેમ જળાશયમાં પાણીનો નજીવો જથ્થોઃ નવુ પાણી ન આવે તો મુશ્કેલીઃ આગોતરૂ આયોજન કરવા રજૂઆત

ભાયાવદર તા.૧૦: મોજડેમમાંથી ભાયાવદર નગરપાલિકા ઉપરાંત સરકારશ્રીના પાણી પુરવઠા વિભાગ સંચાલીત જુથ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારો તથા ઉપલેટા શહેરના લોકો માટે ઉપલેટા નગરપાલિકા તરફથી પીવાનું પાણી ઉપાડવામાં આવે છે. હાલના સમયમાં મોજડેમ જળાશયમાં આશરે-૧૬ ફુટ જેટલું પાણી છે.જેમાં-૮ ફુટ જેટલો કાંપ હોવાથી આશરે-૮ ફુટ જેટલુ જ પાણી મળી શકે તેમ જણાય છે. આ પાણીનો જથ્થો આશરે વધુમાં વધુ-૨ માસ મળી શકે અને ત્યારબાદ ભાયાવદર શહેરના લોકોને પીવાનું પાણી આપવા માટે ખૂબ જ મુશ્કેલી પડે તેમ જણાતુ હોય હાલનું વરસાદી વાતાવરણ જોતા વરસાદ ખેંચાય કે ઓછો થાય તો મોજડેમ જળાશયમાં નવુ પાણી ન આવે તો પીવાનું પાણી મેળવવામાં  પડનાર મુશ્કેલી અંગે આગોતરૂ આયોજન કરવાના ભાગરૂપે હાલ તુરત આગમ ચેતીના પગલા લેવાની ભાગરૂપે ભાયાવદર નગરપાલિકા સહીત ઉપલેટા નગરપાલિકા તેમજ જૂથ યોજના તરફથી પીવાનું પાણી મેળવવા માટે ઉપાડવામાં આવતા પાણીના જથ્થામાં કાપ મુકવાની જરૂરીયાત જણાય છે.

અન્યથા વરસાદ ખેંચાય કે વરસાદ ઓછો થાય તો ભાયાવદર શહેરના લોકોને પીવાનું પાણી મોજડેમ સિવાય અન્ય કોઇ સ્ત્રોત્રમાંથી મળી શકે તેમ ન હોય આ અંગે પડનાર મુશ્કેલી ધ્યાને લઇ ભાયાવદર નગરપાલિકા તરફથી કલેકટકરશ્રી રાજકોટને રજુઆત કરવામાં આવેલ છે. પ્રમુખશ્રી રેખાબેન માકડીયા, ઉપ પ્રમુખશ્રી બાદ્યાભાઇ ખાંભલા, કારોબારી અધ્યક્ષશ્રી નયનભાઇ જીવાણી તથા શ્રી અનિલભાઇ રાડીયા અધ્યક્ષશ્રી પાણી પુરવઠા સમિતિ તેમજ સભ્યશ્રીઓ તરફથી પાણી કાપની પરીસ્થીતી ઉભી થાય તો શહેરના લોકોએ સહકાર આપવા અને પાણીનો બગાડ ન કરવા અખબારીયાદીમાં જણાવેલ છે.

(11:40 am IST)