સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th June 2019

ભાવનગરમાં 'લૂ' લાગવાથી ૨ શ્રમિકોના મોત

મહત્તમ તાપમાનમાં સતત વધારાએ બે વ્યકિતનો ભોગ લેતા અરેરાટી

ભાવનગર, તા. ૧૦ :. ભાવનગરમાં ગરમીની 'લૂ' લાગતા બે શ્રમિક યુવાનોના મોત નિપજયા છે.

ગોહિલવાડમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. અંગ દઝાડતી ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. ગરમીનો પારો ૪૦ની આસપાસ રહેવા છતાં ૪૪ - ૪૫ ડીગ્રી જેવા દાહક ગરમીનો અનુભવ ભાવનગરવાસીઓ કરી રહ્યા છે. દરમ્યાન ગરમીએ બે યુવાનોનો ભોગ લીધો છે.

મળતી વિગતો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા સુરેશભાઈ ધીરૂભાઈ વાઘેલા (ઉ.વ.૩૨) અને શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા અને પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતા ઉદયભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ. ૪૦) આ બન્ને શ્રમિક યુવાનોના કુંભારવાડા સર્કલમાં ગરમીની 'લૂ' લાગતા બેભાન થઈ જતા તેને હોસ્પીટલ ખસેડાયેલ જ્યાં બન્નેને તપાસી ડોકટરે મૃત જાહેર કરેલ. આમ ગરમીથી બે શ્રમિક યુવાનોના મોત નિપજ્યા હતા.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૬ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૨૯.૨ ડીગ્રી નોંધાયુ હતુ. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૯ ટકા અને પવનની ઝડપ ૩૦ કિ.મી. પ્રતિકલાકની રહી હતી. ભેજનું પ્રમાણ વધતા બફારાથી લોકો તોબા પોકારી ગયા હતા.

(11:44 am IST)