સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th June 2019

ભુજમાં મુસ્લિમોનાં ૨ જૂથ વચ્ચે ડખ્ખોઃ સરાજાહેર- ફાયરીંગ

પૂર્વ નગરસેવક સહિત ૭ સામે ફરિયાદઃ બંદુકના ૩ ભડાકાથી એક ગંભીરઃ ૬ મહિનામાં ત્રીજી વખત ફાયરીંગથી દહેશત

તસ્વીરમાં ફાયરીંગની ઘટના બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો

ભુજ, તા૧૦: ભુજમાં ફરી એકવાર અંગત અદાવતમાં ફરી લોહી રેડાયુ છે. મુસ્લિમ સમાજના બે જુથ્થો વચ્ચે ચાલતી જુની અદાવતમાં બબાલ થઇ હતી. જેમાં બાઇક પર જઇ રહેલા ઇસ્માઇલ જુમા હિંગોરજા (ઉ.૩૮)ઉપર બદુકમાં થી ત્રણ રાઉન્ડ ફાયર કરાયુ હતુ. છાતી અને થાપાના ભાગે ઇજાગ્રસ્ત થયેલા ઇસ્માઇલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે દ્યાયલ ઇસ્માઇલ ઉર્ફે ગંગુની ફરિયાદ ઉપરથી ભુજ બી-ડીવીઝન પોલિસે ૭ શખ્સો સામે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

બપોરે જાહેર રોડ ઉપર ફાયરિંગ કરનાર લડડુને ભાગવું પડ્યું ભારે

ભુજના સુરલભીટ રોડ ઉપર ઇસ્માઇલ જુમા ઉર્ફે ગંગુ ઉપર વ્હાઇટ સ્કોર્પિયો કારમાં આવેલા લડડુ ઉર્ફે ઇસ્માઇલ તારમામદ ચાકીએ બંદૂકમાંથી ફાયરિંગ કર્યા બાદ નાસવા માટે પ્રયાસ કર્યો હતો. પણ, ઉશ્કેરાયેલા લોકોએ તેને અટકાવી અને તેની સ્કોર્પિયો જીપમાં તોડફોડ કરી હતી. જોકે, હુમલાખોર લડડુ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

સતત ત્રીજી વાર ફાયરિંગ અને હુમલાથી ભુજમાં ચકચાર સાથે દહેશત

આમતો લાંબા સમયથી આ બન્ને જુથ્થના લોકો વચ્ચે કોઇને કોઇ બાબતે અંગત અદાવતમાં ધર્ષણ ચાલુ છે. તેમાં ધાતક હથિયારો સાથે હુમલો કરવાનો આ ત્રીજો બનાવ બન્યો હતો. ગત ૨૪ મી ડિસેમ્બરે પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટીના ઘર પર આ વખતે હુમલામાં ઘાયલ થયેલા ગંગુ ઉર્ફે ઇસ્માઇલ જુમા હિંગોરજાએ ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ ફરી હમીદ ભટ્ટી ઉપર કચ્છ યુનિવર્સિટીમાં ૨૭ માર્ચે ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો થયો હતો. હવે, હમીદ ભટ્ટી જૂથ દ્વારા આ ફાયરિંગ કરાયું હોવાની ચર્ચા વચ્ચે હમીદ ભટ્ટી સહિત ૭ શખ્સો વિરુદ્ઘ ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જેમાં હમીદના પિતા અહેમદ ભટ્ટી, અબ્દુલ રહીમ ઉર્ફે અધાભા, અલ્તાફ વહાબ સમા, વહાબ સમા અને ફાયરિંગ કરનાર લડડુ ઉર્ફે ઇસ્માઇલ તારમામદ ચાકી વિરુદ્ઘ ફરિયાદ કરાઇ છે. આ ઘટના બાદ પોલીસે બન્ને જૂથના વિસ્તારોમાં સશસ્ત્ર બંદોબસ્ત ગોઠવી દીધો છે.(૨૨.૧૨)

(12:13 pm IST)