સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th May 2021

ગોંડલના નામીચા ગેંગસ્ટર નિખિલ દોંગા ગેંગ વિરુદ્ધ રાજકોટ સ્પેશ્યલ કોર્ટમાં 48500 પાનાની ચાર્જશીટ

ગોંડલની સબજેલમાં રહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતા

ગોંડલની સબજેલમાં રહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતા નિખિલ દોંગા અને તેના 13 જેટલા સાગરિતો વિરુદ્ધ પોલીસ તંત્રે ગુજસીટોક સહિત 135 થી વધુ ગુના નોંધી ખાખીનો રંગ બતાવ્યા બાદ રાજકોટ સ્પેશ્યલ કોર્ટમાં આશરે 48500 પાનાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું છે. આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક નોંધાયા પછી પણ વધુ 20 ગુન્હાઓ નોંધાવા પામ્યા હતા

   પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ ઉપર આવેલ સબજેલ ને જલસા જેલ બનાવી જેલની અંદર જ રહીને નિખિલ દોંગા ગેંગ દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવવામાં આવતું હોય ભાંડો ફૂટ્યા બાદ એએસપી સાગર બાગમાર અને તેમની ટીમ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરાયા હતા નિખિલ સાથેના વિજય જાદવ, પૃથ્વી જોશી, નવઘણ શિયાળ, દર્શન સાકરવાડીયા, વિશાલ પાટકર, અક્ષય ઉર્ફે ગીરી દુધરેજીયા, શક્તિસિંહ ચુડાસમા, અજય કુભારવાડીયા, દેવાંગ જોષી, નરેશ સિંધવ, કમલેશ સિંધવ, જેલર ધીરુ કરસન પરમાર અને પિયુષ કોટડીયા સહિતનાઓ ને ઝડપી લઇ રાજ્યની જુદીજુદી જેલ હવાલે કર્યા હતા બાદ રાજકોટ ખાતે સ્પેશિયલ કોર્ટમાં ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ 48500 પાનાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નિખિલ અને તેના સાગરિતો ઉપર 135 જેટલા ગુના નોંધાયા હતા નિખિલને ભુજ જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને બીમારીના બહાને ભુજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ નાસી છૂટયો હતો પરંતુ ગણતરીના દિવસોમાં જ ફરી પોલીસે ઝડપી લીધો હતો. આ ગેંગનો સુનીલ પરમાર રહે મોટા માંડવા તાલુકો કોટડા સાંગાણી વાળો પકડવામાં બાકી હોય પોલીસે તે દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે.

(11:11 pm IST)