સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th May 2021

જૂનાગઢ હોસ્પિટલમાં આંટાફેરા કરતા વધારાના શખ્સોને પોલીસે દૂર કર્યા

જૂનાગઢ,તા. ૧૦: જૂનાગઢ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણ સામે પ્રજામાં જાગૃતિ આવે એ માટે તેમજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવતા સગાઓ એકત્રિત થતા હોય, તેઓને કોરોના વાયર્સનું સંક્રમણ ના થાય એ માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ આર.બી.ચુડાસમા, વી.જે.ચાવડા, એસ.પી. આગ્રાવત, કે.જે.પટેલ, હે.કો. માલદેભાઈ, વનરાજસિંહ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, અનકભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઇ, સુભાષભાઈ, સંજયભાઈ, સહિતના ૩૦ માણસો તેમજ સીવીલ હોપીટલના ચિરાગભાઈ પરમાર, સિકયુરિટી ઇન્ચાર્જ ફિરોઝખાન પઠાણ, રિટાયર્ડ આર્મી જવાનો, સિકયુરિટી ગાર્ડની જુદી જુદી ત્રણ ટીમ બનાવી, સિવિલ હોસ્પિટલના સ્ટાફને સાથે રાખી, ચેકીંગ હાથ ધરી, દર્દીઓ સાથે વધારાના સગા હોઈ, જરૂરિયાતના હોય અને સગાઓ બિન જરૂરી આંટા મારતા હોય, તેવા લોકોને શોધી શોધીને બહાર કાઢવા તજવીજ હાથ ધરી, કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. એ ડિવિઝન પોલીસની જુદી જુદી પોલીસ ટીમો દ્વારા અલગ અલગ વોર્ડમાં તપાસ કરી, આવા દર્દીઓ સાથે આવતા સગા દ્વારા સિવિલ હોસ્પીટલમાં બિનજરૂરી આંટા ફેરા કરી, કોરોના વાયરસનું સંક્રમણ અટકે અને સિવિલ હોસ્પિટલમાં આવતા લોકો દ્વારા પણ માસ્ક પહેરવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે, એ માટે કાર્યવાહી કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ સ્વસ્થ હોય તો, તેઓની સાથે દર્દીઓના સગાને રહેવાની જરૂરિયાત નહીં હોવાનું તથા ક્રિટિકલ દર્દીઓ કે જેઓ સાથે સગાઓ રાખવાની જરૂરિયાત છે, તેઓએ સિવિલ હોસ્પિટલમાંથી મંજૂરી મેળવીને જ દર્દીઓ સાથે રહેવું, એવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે અને કોરોના વાયરસનું સંક્રમણ ના વધે એટલે દર્દીના સગાંઓ કે લોકોને સાવચેત રહેવા તેમજ બિનજરૂરી સિવિલ હોસ્પીટલમાં આંટા ફેરા નહીં કરવા જાણ કરી, જો બિનજરૂરી સિવિલ હોસ્પિટલમાં મંજૂરી વગર ચેકીંગ દરમિયાન પકડાશે તો, કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ માહિતગાર કરવામાં આવેલ છે.

(1:23 pm IST)