સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th May 2019

ઉપલેટા દૂધ ઉત્પાદક જૂથ સહકારી મંડળીની ૧૫મી વાર્ષિક સાધારણ સભા

ઉપલેટાઃ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ૧૫મે વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાના પ્રમુખસ્થાને જીરાપા પ્લોટમાં આવેલ દાસાપંથી વાડી ખાતે યોજાઈ હતી. રાજકોટ ડેરીના જનરલ મેનેજર વિનોદભાઈ વ્યાસ દ્વારા દીપ પ્રગટાવીને સાધારણ સભાને ખુલ્લી મૂકી હતી. મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ ૧૫મો વાર્ષિક હિસાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે મંડળીએ અગિયાર કરોડ, વીસ લાખ, છીયાસી હજાર(૧૧,૨૦,,૮૬૦૦૦/-) લિટર દૂધનું ટર્નઓવર કરીને રૂપિયા ઓગણ સિત્તેર લાખ, પચાસ હજાર (૬૯,૫૦,૦૦૦/-)નો ચોખ્ખો નફો કર્યો છે. આ નફાની ફાળવણી કરતા જણાવ્યું હતું કે પશુપાલકોને ૧૨ ટકા ડિવિડન્ડ અને ૩.૪૮ ટકા પ્રમાણે રૂપિયા તેત્રીસ લાખ, સિત્તેર હજાર (૩૩,૭૦,૦૦૦)નું બોનસ જાહેર કર્યું હતું. પશુઓની માવજત માટે રૂપિયા ૪,૩૭,૦૦૦/- (ચાર લાખ સાડત્રીસ હજાર) ફાળવવાની જાહેરાત કરી હતી. તેમજ મંડળીના વિકાસ માટે નવું દૂધ ઘર બાંધવા માટે રૂપિયા ૨૫ લાખ ખર્ચ કરવાની જાહેરાત કરી હતી. તેમજ આ વર્ષે દસ હજાર લીટર દૂધ એકત્રિત કરવાનો લક્ષ્યાંક પણ જાહેર કર્યો હતો. રાજકોટ ડેરીના જનરલ મેનેજર વિનોદભાઈ વ્યાસે જણાવ્યું હતું કે મેં હમણાં જ રાજકોટ ડેરીમાં ચાર્જ સંભાળ્યો છે. પશુપાલન નફાકારક બને તે માટેના હંમેશા મારા પ્રયત્નો રહેશે. પશુપાલકોને તા. ૧૧ મી મે થી દૂધના ફેટમાં રૂપિયા ૧૦ નો વધારો આપવાની જાહેરાત કરી હતી. તેમજ રાજકોટ ડેરીના મેનેજર પ્રણવ દેસાઈએ જણાવ્યું હતું કે પશુપાલન રોજગારી માટે શ્રેષ્ઠ વ્યવસાય છે. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂત બટુકભાઈ ગજેરા, સહકારી અગ્રણી હરદાસભાઇ ચંદ્રવાડીયા, ખેડૂત અગ્રણી કે.ડી. સીણોજીયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા, કાનગડ સાહેબ, કારાભાઈ બારૈયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ ઘેરવડા સહીતના વિગેરે આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભાનું સંચાલન મંડળીના મંત્રી દિનેશભાઈ કંટારીયાએ કર્યુ હતું.(ભરત દોશી - ઉપલેટા)

(11:40 am IST)