સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th May 2019

તાલાલા યાર્ડમાં પ દિ'માં ૪પ૩પપ કેસર કેરીના બોકસની આવકઃ માવઠાની ચેતવણીથી ચિંતા

રાજકોટ તા. ૯ :.. રવિવારથી ગીર સોમનાથ જીલ્લાનાં તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરરાજીનો પ્રારંભ થયા બાદ પાંચ દિવસમાં ૪પ૩પપ કેરીનાં બોકસની આવક થઇ છે.

તાલાલા પંથકની પ્રખ્યાત કેસર કેરીના પાકને આસાલ હવામાનનો સતત માર પડતા ઉત્પાદન ઓછુ આવવાની સંભાવના વચ્ચે તાલાલા યાર્ડમાં પ મેથી હરરાજીના કામકાજ શરૂ થયા છે. તેવામાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદની શકયતા હોવાથી કેરી પકાવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

ગીર સોમનાથના તાલાલા સાઇડના ૪પ ગામોમાં ૧પ લાખથી વધુ આંબાઓ છે અને  આ કેરીની દેશ-વિદેશની ડીમાન્ડ નીકળી છે. તેવા સમયે ગુરૂવાર સાંજથી હવામાનમાં પલટો આવતા વાળદછાયું વાતાવરણ બનતા પવનની ગતિમાં વધારો થયો છે. રાજયના હવામાન ખાતાએ તા. ૧૦ થી ૧ર મે દરમિયાન વરસાદની આગાહી કરતા કેરી પકાવતા ખેડૂતોને વધુ એક હવામાનનો માર પડવાની સંભાવના છે.

કેસર કેરીના ઓછા ઉત્પાદનની સંભાવનાએ રપ થી ૩૦ ટકા કેરી મોંઘી મળી રહી છે. તાલાલામાં હરરાજી ચાલુ થતા આવકમાં વધારા સાથે ભાવમાં ધીમો ઘટાડો હતો. ત્યારે હવામાનમાં પલટાની અસરે આવકો ઘટશે તો કેરી થોડા દિવસ ફરી મોંઘી બનશે.

યાર્ડમાં તા. પ નાં ૧પ૦રપ બોકસ, તા. ૬ નાં ૭૧૩૦, તા. ૭ નાં ૭પ૪૦, તા. ૮ નાં ૭રર૦, તા. ૯ નાં ૮૪૪૦ બોકસની આવક થઇ છે.

(11:30 am IST)