સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th May 2019

જામજોધપુરમાં ચોરીની ઘટનાઓ બાદ નાઈટ પેટ્રોલીંગ વધારવા માંગણી

જામજોધપુર, તા. ૯ :. જામજોધપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રસિકભાઈ કડીવાર, વાઈસ પ્રેસીડેન્ટ નરેન્દ્રભાઈ કવૈયા, સેક્રેટરી દિપકભાઈ ભટ્ટ સહિતનાએ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીને આઝાદ ચોક, ગાંધી ચોક, જામજોધપુરની મેઈન બજારમાં ચોરી અંગે રજૂઆત કરી છે.

આવેદનમાં વધુમાં જણાવ્યુ હતુ કે જામજોધપુરની મેઈન બજાર આઝાદ ચોક અને ગાંધી ચોક વચ્ચે તા. ૧૦-૧૨-૨૦૧૮ની રાત્રીએ તા. ૩૧-૧૨-૨૦૧૮ની રાત્રીએ તથા તા. ૮-૫-૨૦૧૯ની રાત્રીએ ચોર દ્વારા ચોરી કરવાના ઈરાદાથી ચોરીનો બનાવ બનેલ છે. આ ત્રણેય પ્રકારની ચોરી એક જ ટાઈપની દુકાનમાં ચોરી કરવામાં આવી છે. જે દુકાન, આ મેઈન ચોકમાં હોલસેલ અનાજ કરીયાણાના વેપારીઓને ત્યાં ચોરી થયેલ છે. ચોર દ્વારા એક જ પ્રકારની થીયરીથી એક જ પ્રકારની દુકાનમાં અને એ પણ અનાજ કરીયાણાના વેપારીને ત્યાં ચોરી થયેલ છે.

આ માટે જામજોધપુરના આ બન્ને ચોકમાં રાત્રી દરમ્યાન નાઈટ પેટ્રોલીંગ કરી સુરક્ષાની વ્યવસ્થા થવી જોઈએ તેમજ નાઈટ દરમ્યાન પોલીસ સુરક્ષાના જવાનો દ્વારા રાત્રી દરમિયાન પેહરો ભરાઈ એટલે કે નાઈટ ડયુટી દ્વારા કર્મચારીને પોતાની રાત્રી નાઈટ પેટ્રોલીંગની કામગીરી સોંપી સુરક્ષા અને વ્યવસ્થા સ્થપાઈ તે માટેના પ્રયત્નો થાય એવી વેપારી મહામંડળની માંગણી છે આ ત્રણે બનાવોેની વ્યવસ્થિત તપાસ - શોધ કરી યોગ્ય કાર્યવાહી થાય એવી વેપારીઓની લાગણી છે. કાયદો અને સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા હોદેદારો, પદાધિકારીઓ, સરકારી કર્મચારીઓ, ઓફિસરોને વેપારી મહામંડળ દ્વારા માંગણી કરાઈ છે.

(11:29 am IST)