સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th May 2018

કાલે શ્રી સોમનાથ મહાદેવનો પ્રતિષ્ઠા દિનઃ અમિતભાઇના હસ્તે પૂજન

પારંપરિક વસ્ત્રોમાં સજ્જ સમાજના લોકો દ્વારા મહાઆરતીઃ થ્રી-ડી લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં ભાવિકો ઉમટશે

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૧૦ :.. કાલે ભગવાન શ્રી સોમનાથ મહાદેવના ૬૮ માં પ્રાણ પ્રતિષ્ઠા દિવસની ભવ્યતાથી ઉજવણી  કરવામાં આવશે. આ તકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહેશે અને પૂજન-અર્ચન કરશે.

કર્ણાટકની ચૂંટણી એક અગ્નિ પરીક્ષા સમાન છે અને પીએમ શ્રી નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ કર્ણાટકમાં સભા ગજવી ચૂંટણી યુધ્ધ ખેલી રહ્યા છે. આ સંજોગોમાં ૧ર મી મેએ કર્ણાટકમાં ચૂંટણીનું મતદાન છે. તેના પૂર્વ દિવસે ૧૧ મી મે એ ભાજપના વિજય માટે ખૂદ અમિતભાઇ શાહ સોમનાથના દર્શને આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ઉત્તર પ્રદેશ કે અન્ય ચૂંટણીઓનું પ્રચાર કાર્ય પૂર્ણ કર્યા પછી સોમનાથને શિશ નમાવવા અમિતભાઇ શાહ અચૂક આવે છે.

યોગાનુંયોગ વિશ્વ પ્રસિધ્ધ આ મંદિરનો આ દિવસે ૬૮મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ છે. અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ વિવિધ પૂજા-અર્ચના અને સોમનાથ મહાદેવ સમિપ મહાઆરતી સહિત કાર્યક્રમોનું પણ આયોજન કર્યુ છે. ત્યારે અમિતભાઇ શાહના આગમનના સંકેતથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

શ્રી સોમનાથ મહાદેવ મંદિર કૈલાશ મહામેરૂ પ્રાસાદના પ્રથમ તબકકાનું કાર્ય પુર્ણ થયે સરદારના લોખંડી સંકલ્પનું સાકાર સ્વરૂપ ૧૧ મે ૧૯પ૧ ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. (સ્વ.) રાજેન્દ્ર પ્રસાદજીના કરકમલોથી સવારે ૯-૪૬ મીનીટે સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયેલ. નુતન મંદિર કાર્ય તેમજ સોમનાથ કૈલાશ મહામેરૂ પ્રાસાદનો નકશો પ્રભાશંકર સોમપુરાએ તૈયાર કરેલ હતી.

આ પ્રસંગે ૧૦૮ તીર્થોનું પવિત્ર જળ એકત્રીત  કરવામાં આવેલ પ્રાણ પ્રતિષ્ઠા વિધી માટે, પ૧ બોટો પર સુંદર ફુલોથી શણગારાયેલી તોપો સમુદ્રમાં રાખવામાં આવેલ જયારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધી સંપન્ન થઇ અને ૧૦૮ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે જયારે જય સોમનાથનો નાદ ગુંજી ઉઠયો.. ત્યારે ૧૦૧ તોપોની સલામી આપવામાં આવેલ હતી. સ્થાનીકો બહોળી સંખ્યામાં જગતપિતા સોમનાથ મહાદેવના આ પાવન પ્રસંગે પોતાના પારંપરિક પરિવેષમાં ઉત્સાહ ભેર જોડાયા હતાં.

તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. (સ્વ.) રાજેન્દ્ર પ્રસાદજીએ લોકોને સંબોધતા કહેલ કે 'પ્રાચીન ભારતની સમૃધ્ધિ, શ્રધ્ધા અને સંસ્કૃતિનું પ્રતિક સોમનાથનું મંદિર હતું, જેમનું ચરણ પ્રક્ષાલન સમુદ્ર કરે છે, આજે સોમનાથ મંદિર પોતાનું મસ્તક ઉચુ કરી સંસારને સંદેશ આપી રહેલ છે કે, જેને જનતા પ્રેમ કરે છે જેના માટે જનસામાન્ય ના હૃદયમાં અક્ષય શ્રધ્ધા અને સ્નેહ છે, તેને સંસારમાં કોઇપણ મીટાવી શકતું નથી.'

કાલે સોમનાથ મંદિરના ૬૮ માં પ્રાણ પ્રતિષ્ઠા દિનની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવાનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે, શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રસંગને લઇ નીચે મુજબ વિશેષ આયોજન કરવામાં આવનાર છે, જેમાં સવારે ૭.૩૦ કલાકે સ્વચ્છતા જાગૃતિ અભિયાનનો પ્રારંભ સવારે ૮.૩૦ કલાકે હોમાત્મક લઘુરૂદ્ર પ્રારંભ, સરદારશ્રીને પુષ્પાંજલી-સરદાર વંદના, સ્થાપના દિને વિશેષ મહાપૂજન-મહાઅભિષેક, સવારે ૯.૪૬ મીનીટ પ્રાણ  પ્રતિષ્ઠા સમયે વિશેષ આરતી, ધ્વજાપૂજન, બપોરે ૩ થી વિશેષ શૃંગાર દર્શન, સાંજે પ થી ૬.૩૦ સુધી પુર્વીબેન શેઠ ગ્રુપ દ્વારા નૃત્યથી નટરાજની આરાધના, સરદારનાં સંકલ્પની ઝાંખી અને ૬૭ વર્ષ પુર્વે રચાયેલા દ્રશ્યની અવિસ્મરણીય ઝાંખી સાંજે ૭ વાગ્યે થતી મહાઆરતીમાં દ્રશ્યમાન થશે જેમાં સ્થાનિક સમાજો દ્વારા પારંપરિક વસ્ત્ર પરિધાનમાં શ્રી સોમનાથ મંદિરની સહસ્ત્ર દિપો દ્વારા સમુહ આરતી યોજાશે. શ્રી સોમનાથ મંદિર ને સુંદર પુષ્પોથી સ્થાપના દિવસની યાદ તાજી થાય એ રીતે શણગારવામાં આવશે. આરતી બાદ સોમનાથ ના ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળી શકશે.

સ્થાપના દિને સોમનાથ આવનાર યાત્રીઓને આરોગ્ય સેવાનો ઉત્તમ લાભ મળી રહે તેવા શુભાશયથી સામાજીક સંસ્થા, આરોગ્ય વિભાગ, ગીર સોમનાથના સહયોગથી વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના માહેશ્વરી અતિથીગૃહ ખાતે આ કેમ્પનું આયોજન સવારે ૯ થી બપોરે પ દરમ્યાન કરવામાં આવેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના માહેશ્વરી અતિથીગૃહ ખાતે આ કેમ્પનું આયોજન સવારે ૯ થી બપોરે પ દરમ્યાન કરવામાં આવેલ છે. જેમાં હૃદય રોગ-કિડની-ડાયાબીટીશ-હાડકાના નિષ્ણાંત બાળરોગ-દાંતના નિષ્ણાંત-ફિઝીયોથેરાપીસ્ટ સહિતના નિષ્ણાંત ડોકટરો તેમજ એપોલો હોસ્પિટલ, અમદાવાદની ટીમ દ્વારા સચોટ માર્ગદર્શન તેમજ દવાનું ફ્રી વિતરણ સ્થળ પર જ મળી રહેશે. આ કેમ્પમાં સ્થળ પર તેમજ ટેલીફોનીક રજીસ્ટ્રેશન ગુલાબભાઇ છેડા મો. નં. ૯૦૯૯૧ ૧૪૧૪૧, ડો. કે. વાજા મો. ૯૭૩૭૭ ૩૬૮૦૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

ભાવિકોને દર્શન-પૂજન અર્ચનનો લાભ લેવા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(11:39 am IST)