સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th May 2018

ગોંડલ નગરપાલિકા દ્વારા રાજમાર્ગો ઉપર થયેલ દબાણ હટાવ ઝુંબેશઃ ફૂટપાથ ઉપરની લારી-ગલ્લા હટાવાયા

પાલિકા દ્વારા વહાલા-દવલાની નીતિ અપનાવી હોવાનું વ્યાપારીઓમાં રોષ : બે ચાર દિવસમાં જૈસે થે વૈશે ની પરિસ્થિતિ તો નહીં થાય ને ?

ગોંડલ, તા.૧૦: ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર થયેલ દબાણો દૂર કરવા બે દિવસ પહેલાં જ વ્યાપારીઓને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું જે અનુસંધાને શહેરમાં દ્યણી જગ્યાએ વ્યાપારીઓએ સ્વેચ્છિક રીતે લારી-ગલ્લા અને છાપરાઓ દૂર કર્યા હતા, પાલિકા તંત્રે જેતપુર રોડ પરથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી સાંજ સુધીમાં જેલ ચોક સહિતનો વિસ્તાર આવરી લીધેલ હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના રાજવી સર ભગવતસિંહજી દ્વારા ગોંડલની પ્રજાની સુખાકારી માટે પહોળા રાજમાર્ગો સાથે આકર્ષક ફૂટપાથની ભેટ આપવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં વ્યાપક પ્રમાણમાં દબાણો ને લઇ રાજમાર્ગો સાંકડા બનવાની સાથે ફૂટપાથો અદ્રશ્ય થવા પામી હતી, પાલિકા તંત્રે દબાણો દૂર કરવા કમર કસી હોય, બે દિવસના અલ્ટીમેટમ બાદ આજે પાલિકાના સ્ટાફે જેતપુર રોડથી દબાણ દૂર કરવાના શ્રીગણેશ કર્યા હતા, સાંજ સુધીમાં જેલ ચોક સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો, ફૂટપાથો પર દબાણ રૂપી છાપરા અને લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા.

 જેલચોક ખાતે દબાણ હટાવ ઝુંબેશ ને નિહાળવા વ્યાપક પ્રમાણમાં ટોળા એકઠા થવા પામ્યા હતા, ત્યારે એકત્રિત થયેલ વ્યાપારીઓના ટોળાઓએ રોષ સાથે જણાવ્યું હતું કે પાલિકા તંત્ર વહાલા-દવલાની નીતિ અપનાવી રહ્યું છે જેતપુર રોડ પર દાસી જીવણ પાર્ટી પ્લોટ પાસે નાના વેપારીઓને દંડવામાં આવ્યા છે જયારે મોટા મગરમચ્છને બક્ષી દેવામાં આવ્યા છે. પાલિકા તંત્રે દબાણ હટાવામાં ભેદભાવ રાખવો ના જોઈ એ તેવો રોષ વ્યકત કર્યો હતો.

પાલિકા તંત્રના દબાણ હટાવ ઝુંબેશ ની કાર્યવાહીને લોકોએ આવકારી હતી અને લોકોએ માંગ કરી હતી કે દર વખતની જેમ દબાણ હટાવ્યા બાદ બે-ચાર દિવસમાં ફરીથી દબાણ ન થઈ જાય તેની પાલિકા તંત્રે તકેદારી રાખવાની તાતી જરૂરિયાત છે.(અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય, તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:23 am IST)