સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th May 2018

જામનગરના જાણીતા વકિલ કિરીટ જોશીની હત્યાનો ભેદ હજુય અકબંધઃ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા

જામનગરઃ થોડા દિવસો પહેલા જામનગરના વકિલ કિરીટ જોશીની હત્‍યા કરવામાં આવી હતી. આ હત્યા પ્રકરણનો ભેદ હજુય અકબંધ હોવાથી આ કેસની તપાસ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાઅે અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવા આદેશ કર્યો છે.

29 એપ્રિલના રોજ જામનગરમાં જાણિતા વકીલ કિરીટ જોશીની  હત્યા કરવામાં આવી હતી. શહેરના ટાઉનહોલ વિસ્તારમાં જયોત ટાવર પાસે બાઇક પર આવેલા બે શખ્સો છરીના અસંખ્ય ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ ગયા હતાં. આ ઘટનામાં સીસીટીવી ફુટેજના આધારે બંને હત્યારાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આ હત્યા અંગે કિરીટભાઈના નાના ભાઈ અશોકભાઈ જોશીએ ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું છે કે કીરીટભાઈ ભૂમાફિયા સામે કેસ લડતા હતા. તેથી ભૂમાફિયા જયેશ પટેલે આ હત્યા કરાવી છે. મહત્વનું છે કે વકીલ કીરીટ જોશી ચકચારી 100 કરોડના ઇવાપાર્ક જમીન કૌંભાડનો કેસ લડી રહ્યા હતાં. આ કેસમાં હજુ સુંધી કોઇ આરોપીની ધરપકડ થઇ નથી. જામનગરમાં ભૂમાફિયાઓનો મોટો ત્રાસ છે અને વકીલની હત્યાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા અને વકીલોએ વિરોધ પણ નોંધાવ્યો હતો.

અગત્યની વાત એ છે કે કિરીટ જોશીની હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે વકીલ કિરીટભાઈ જોશી પર જાહેરમાં બાઈક લઈને આવેલા બે શખ્સોમાંથી એક શખ્સે છરી વડે હુમલો કરી રહ્યો હતો, જ્યારે રોડ પર લોકોની અને ગાડીઓની અવરજવર ચાલુ હતી પરંતુ તેમાંથી કોઈએ કિરીટભાઈનો બચાવ કર્યો નહતો. જાણીતા વકીલ કિરીટભાઈની જાહેરમાં હત્યા થઈ રહી હતી પરંતુ લોકો આ લાઈવ મર્ડર જોઈ રહ્યા હતાં. હત્યારો છરી લઈને કિરીટભાઈ પર એક સામટા ઘણા બધા ઘા કરે છે, તેનાથી બચવા માટે તેઓ ઘણી મહેનત કરે છે પરંતુ અંતે તેઓ હત્યારા સામે હારી જાય છે. બેહોશ થઈને ઢળી પડેલા કિરીટભાઈના શરીરમાં હુમલાખોર છરીના ઘા મારે છે. અજાણ્યા શખ્સોએ કિરીટભાઈ વકીલને બારથી વધારે ઘા ઝીક્યા હતા. આ હત્યા  કેસમાં કોન્ટ્રાક્ટ કિલરને સોપારી આપી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(7:25 pm IST)