સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

મોરબી પાટીદાર કોવિડ કેર સેન્ટર શરૂ થયું: ૨૪ કલાકની અંદર જ ૩૦૦ બેડ ભરાઇ ગયા

મુખ્યમંત્રી કહે છે પરિસ્થિતી નિયંત્રણમાં અને ૨૪ કલાક કરતા ઓછા સમયમાં જ ૩૦૦ બેડ ફૂલ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૦: મોરબીના જિલ્લા વહીવટી તંત્રની જેમ મુખ્યમંત્રી રૂપાણીએ આજે મોરબીની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાહેર કર્યું છે તેવા સમયે જ અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે અને ૨૪ કલાક કરતા ઓછા સમયમાં જ પાટીદાર કોવિડ કેર સેન્ટરના તમામ ૩૦૦ બેડ ફૂલ થઈ ગયા છે તે જોતા હાલ મોરબીમાં કોરોના બેકાબુ બન્યાનું સ્પષ્ટ બન્યું છે.

ગઈકાલે મોરબીના જોધપર નદી ખાતે પાટીદાર સેવા સમાજ દ્વારા ૩૦૦ બેડના કોવિડ કેર સન્ટરનો શુભારંભ કર્યા બાદ આજે બપોર સુધીમાં આ કોવિડ કેર સેન્ટરમાં ૧૬૫ જેટલા કોરોનાના દર્દીઓને આઇસોલેટ કરાયા હતા અને બપોર બાદ બાકીના તમામ બેડ પણ ફૂલ થઈ જતા હાલમાં પાટીદાર કોવિડ કેર સેન્ટરમાં હાઉસફુલની સ્થિતિ સર્જાઈ છે. પાટીદાર કોવિડ કેર સેન્ટરના સંચાલક એ.કે.પટેલ સાથે વાતચીત કરતા તેઓએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે ૨૪ કલાક જેટલા સમયમાં જ ૩૦૦ કોરોનાના દર્દીઓ અહીં એડમિટ થતા હવે નવા પેશન્ટને સમાવી શકાય તેવી સ્થિતિ નથી. ઉપરાંત હાલમાં આ સંસ્થામાં વધુ બેડ ઉમેરી શકાય તેમ ન હોવાનું પણ તેમને જણાવ્યું હતું.

(12:55 pm IST)