સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

ખંભાળીયામાં ૧૮ કેસ, વધુ પાંચના મોત : દેવભૂમિ જીલ્લામાં સંક્રમણ વધ્યુ

સ્વૈચ્છિક બંધમાં લોકો જોડાવા લાગ્યા : કોરોના કેસો વધતા ૩૦૦ બેડનું આયોજન : હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ : અનેક ગામડાઓ સ્વૈચ્છિક બંધ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૦ :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં ગઇકાલે ઉછાળો આવતા ર૪ કલાકમાં ૧૯ પોઝીટીવ કેસ નોંધાયા હતા તથા એકિટવ કેસનો આંકડો ૧૧ર થતા સદી વટાવી ગયો છે.

ગઇકાલે ર૪ કલાકમાં ૧૯ પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમાં  ૧૮ તો ખંભાળિયા શહેર તથા તાલુકાના નોંધાયા છે. જેમાં ૧૧ કેસ ખંભાળિયા શહેરમાં નોંધાયા છે. જયારે તાલુકાના ભીંડામાં ૧, વડત્રામાં ૧, તુલસીપાર્કમાં ૧, રામનગરમાં ર, જડેશ્વર રોડ પર ૧ તથા કલ્યાણપુરના દેવરીયામાં ૧ કેસ મળીને કુલ ૧૯ કેસ નોંધાયા છે. દ્વારકા તથા ભાણવડમાં એક પણ કેસ નોંધાયો નથી.

અગાઉ ૧પ કોવીડમાં મૃત્યુ પામયા હતા તેમાં ર વધુ દર્દીઓ કોવીડમાં મોત નિપજતા કુલ આંક ૧૭નો થયો છે. જયારે બીન કોવીડમાં પણ વધુ ત્રણના મોત નિપજતા બીન કોવીડના મોતનો કુલ આંક ૭૪ નો થયો છે. કોરોના સંદર્ભમાં કુલ ૯૧ ના મોત નિપજયા હતા.

કુલ ૧૮ કેસમાં ૧ર કેસ ખંભાળિયા શહેરમાં નોંધાતા લોકોમાં ફફડાટની સાથે જાગૃતતા પણ વધી છે.

સ્વૈચ્છીક રીતે ચાર વાગ્યે બંધ કરવામાં જે વેપારીઓ ગંભીરતાથી જોડાતા ન હતા તેઓ પણ આ કોરોનાના ખંભાળિયામાં મોટા આંકથી ભયભીત થઇ બંધમાં જોડાઇ ગયા હતા તો સરકારી કચેરીઓમાં પણ અરજદારો નામશેષ થઇ ગયા છે.

આટલી મોટી સંખ્યામાં કેસો વધતા છતાં કેટલાક ચા-પાન તથા હોટલોમાં બેદરકાર લોકોના ટોળા થતા હોય તથા ખાણી-પીણીમાં પણ ઉભરતા હોય લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે તથા આવા સ્થળે સોશ્યલ ડિર્સ્ટસના કેસ કરીને કડક પગલા ભરવાની માંગ પણ ઉઠી છે બેદરકારો સામે માસ્ક ઝુંબેશ પણ યથાવત રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીમાં ખુબ જ વ્યાપક રીતે વધારો શરૂ થતા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લાના આરોગ્ય તં્રના જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુતરિયા સિવિલ હોસ્પિટલના સુપ્રી. ડો. હરીશ મતાણી દ્વારા કોરોના મહામારીના સંદર્ભમાં વધુ સવલતો વધે તે માટે યુદ્ધના ધોરણે તૈયારીનું આયોજન શરૂ કર્યુ છે.

ખંભાળિયાની જિલ્લા કોવીડ હોસ્પિટલમાં વેન્ટીલેટર તથા ઓકિસજન સાથે ૧૦૦ બેડ ઉપરના ર જા માળે છે તેમાં હાલ ૯૩ બેડ પર દર્દીઓ હોય તેની નીચેના પહેલા માળ પર ૮૦ થી ૧૦૦ બેડ નવા રાખવા આયોજન કરવામાં આવ્યું છે તથા જે બેડ પર ઓકિસજનની ફેસેલીટી નથી ત્યાં લાઇનો ખેંચીને ઓકિસજન સાથે સવલત મળે તેવી પણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે તથા ગઇકાલે જ સુપ્રિ. હરીશ મતણીએ કાર્યવાહી શરૂ કરી હતી.

જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવેલ કે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ૧૮૦ થી ર૦૦ બેડની વ્યવસ્થા થશે તે ઉપરાંત જરૂર પડયે ખંભાળિયા શહેરની સાંકેત, દેવભૂમિ, શુભમ સહિતની ખાનગી હોસ્પિટલોમાં પણ ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા અગાઉ સ્ટેશન રોડ પર એક બિલ્ડર દાતા દ્વારા સેવામાં અપાયેલ ૧૦ માળના બિલ્ડીંગમાં પણ ૧૦૦ બેડની વ્યવસ્થા માટે આયોજન કરાયું છે તો ખંભાળિયા પાલિકાના અગ્રણીઓ તથા ગામના આગેવાનોની મદદથી પણ ૧૦૦ બેડની વ્યવસ્થા કરવા આયોજન થયું છે.

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં કોરોના સ્પેશ્યલ વોર્ડ નં. તાજેતરમાં ગુજરાત આખામાં દર્દીઓના પ્રતિભાવોમાં પ્રથમ નંબર મળ્યો હતો ત્યારે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં કોવીડના દર્દીઓ માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા તથા ભોજન વિ.ની સવલતો પ્રશંસાપાત્ર બની છે.

દરરોજ સપ્તાહના દિવસો પ્રમાણે રોજ સવારે ૬-૩૦ વાગ્યાથી વિવિધ ભોજનની વ્યવસ્થા કરાઇ છે જેમાં હળદરવાળુ ગરમદૂધ, સફેદ ઢોકળા, ફણગાવેલા કઠોળ, મગની દાળનું પાણી, ચા, કોફી, બિસ્કીટ, લીંબુપાણી, નાળિયરનું પાણી, ખીચડી, રોટલી, જુદા જુદા લીલોતરી શાક, જીરા રાઇસ, ખાખરા, સેવ ખમણ તથા જયુસ, સફરજન તથા ફૂટના જયુસ અપાય છે.

કોરોના દર્દી દાખલ થાય ત્યારે તેનો સ્વભાવ ચીડીયો થઇ ગયો હોય તથા તેને ખાવાનું ભાવતુ ના હોય દરરોજ નાસ્તો તથા બપોર અને સાંજના ભોજનમાં રોજ નવીનતા રાખવામાં આવે છે જેથી પૌષ્ટીક અને સત્વશીલ ભોજન તેને મળે.

જિલ્લા કલકેટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના જેઓ રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ છે. તેમના માર્ગદર્શન હેઠળ સુપ્રી. ડો. હરીશ મતાણીની ટીમ દ્વારા આ વ્યવસ્થા કરાઇ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારી વ્યાપક થતા તથા રોજ કેસોમાં વધારો થતો જતો હોય, ખંભાળિયાએ રોજ ચાર વાગ્યાથી સ્વૈચ્છીક બંધની પહેલ કરી હતી તે પછી જામરાવલ, દ્વારકા, નંદાણા, દેવરિયા, લાંબા ભોગાત સહિતના અનેક ગામોમાં પણ રોજ બે-ત્રણ કલાક જ ગામની દુકાનો ખુલ્લી રાખીને બાકીનો સમય સ્વયંભુ બંધ લોકડાઉન જેવી સ્થિતિ થઇ જાય છે તેમાં વધુ અનેક મોટા મોટા ગામો પણ જોડાયા છે.

ખંભાળિયાના ભાડથર પાસેના કાનપર શેરડી ગામમાં સપાટે માત્ર બે કલાક જ દુકાનો ખુલે છે. પછી સજ્જડ બંધ રખાય છે તથા બહારથી આવતા લોકોને માટે પણ કારણ વગર આવવા પ્રતિબંધ કરીને જરૂર પડયે સરપંચને મળીને આવવાની વ્યવસ્થા કરાઇ છે.

(12:46 pm IST)