પોરબંદર નગરપાલિકા સેનીટેશન કમિટીના મહિલા ચેરમેનના સ્થાનેથી તેના પતિ મીટીંગમાં હાજર રહ્યાનો વીડિયો વાઇરલ
વાઇરલ વીડીયોમાં સેનીટેશન કમીટીના મહિલા ચેરમેનના પતિ પાલિકાના અધિકારીઓ અને સુપરવાઇઝરોને સુચના આવે છેઃ કલેકટર અને ચીફ ઓફીસર આ વીડિયોની તપાસ કરી પગલા લ્યે તેવી માગણી
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ :.. નગરપાલિકાની સેનીટેશન કમીટીના મહિલા ચેરમેનને બદલે તેના સ્થાનેથી પાલિકાની મીટીંગમાં મહીલા ચેરમેનના પતિ હાજર રહીને પાલિકાના અધિકારીઓ તથા સુપરવાઇઝરોને સુચના આપતા હોય તેવો વીડીયો વાઇરલ થયો છે.
આ વાઇરલ વીડીયો અંગે કલેકટર અને ચીફ ઓફીસર તપાસ કરાવીને પગલા લ્યે તેવી માગણી આ વીડીયો જોનારાઓમાંથી ઉઠી છે.
તાજેતરમાં પાલિકાની વિવિધ કમીટીઓના ચેરમેનપદ માટે વરણી કરવામાં આવી હતી જેમાં સેનીટેશન કમીટીના ચેરમેન પદે મહિલા કાઉન્સીલર કૃપાબેન કારીયાની વરણી કરવામાં આવી હતી.
કમીટીઓની રચના અને ચેરમેનપદોની નિમણુંકો બાદ પાલિકાની સેનીટેશન કમીટીની મીટીંગમાં સેનીટેશન કમીટીના મહિલા ચેરમેનની હાજરીને બદલે મહિલા ચેરમેન વતી તેના પતિ મીટીંગમાં હાજર રહીને પાલિકાના અધિકારીઓ તથા સુપરવાઇઝરોને સુચના આપતા હોય તેવો વાઇરલ થયેલ વીડિયોએ ચર્ચા જગાવી છે આ અંગે કલેકટર અને ચીફ ઓફીસર તપાસ કરીને પગલા લ્યે તેવી માગણી ઉઠી છે.