સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

ઉપરીયાળા ગામે ખેતરમાં રોટરવિટર ચાલકના મોત બાદ માલિકે હેબતાઇ જઇને આપઘાત કર્યો

પરિવારને શું જવાબ દઇશ ? તેવી બીકથી ટ્રેન નીચે પડતું મુકયું : પાટડી પંથકની કરૂણ ઘટના

વઢવાણ,તા. ૧૦: સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માત તેમજ અકસ્માતે મોતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ૫ાટડી તાલુકાના ઉપરીયાળા ગામની સીમમાં આવેલ ખેતરમાં કામ કરતાં ખેડુતનું અગમ્ય કારણોસર ટ્રેકટર પાછળ જોડેલ રોટરવીટરમાં આવી જતાં ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજયું હતું જે અંગેની જાણ મૃતકના પરિવારજનોએ પોલીસને કરી હતી. બાદમાં ખેતરના માલિકને યુવાનના મોતથી હેબતાઈ જઈને પરિવારને શું જવાબ દેશે તેવા ડરથી પોતાના ગામ નજીક ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો.

માહિતી મુજબ ઉપરીયાળા ગામે ઠાકોરવાસમાં રહેતાં અમૃતભાઈ બચુભાઈ ઉઘરોજા ઉ.વ.૪૦વાળા ઉપરીયાળા ગામની સીમ જમીનમાં સૈયદવાળા તરીકે ઓળખાતા ગણેશભાઈ હિરાભાઈના ખેતરમાં એરંડાનું વાવેતર કરેલ તે એરંડા પાડવા રોટરવીટર ટ્રેકટર સાથે જોડીને ગયા હતાં તે દરમ્યાન અગમ્ય કારણોસર રોટરવીટરમાં આવી જતાં અચાનક અકસ્માત થવાથી માથામાં તથા ચહેરા પર અને હાથેપગે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજયું હતું. જે અંગની જાણ મૃતકના ભાઈ મહેશભાઈ ઉઘરોજાએ પાટડી પોલીસ મથકે કરતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

ખેતરમાં ટ્રેકટરના રોટર નીચે આવી જતાં આવી ગયેલા વ્યકિતના દ્રશ્યો નિહાળી ખેતરના માલિકે ગણેશભાઈ હિરાભાઈ ઉપરાળીયાએ હેબતાઈ જઈને પરિવારને શું જવાબ દેશે તેવા ડરથી ઉપરયાળી ગામમાં પસાર થતી ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વિરમગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)