સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

રાજકોટના ૫ ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

રાજકોટ જિલ્લાના ગામડાઓ સતર્ક થયા : રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા અનેક ગામો-શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનું શરૂ કરી દીધું છે

રાજકોટ,તા.૯ : કોરોનાના કેસોને કાબૂમાં લેવા હશે તો લોકડાઉન અને કરફ્યૂ જ એકમાત્ર રસ્તો છે. જેટલા લોકો એકબીજાના સંપર્કમાં ઓછા આવશે તેટલો કોરોના ઓછો ફેલાશે. સરકારે લોકડાઉનની જાહેરાત કરી નથી, પરંતુ ગુજરાતના કેટલાક શહેરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત છે. આવામાં લોકો સ્વંય શિસ્ત દાખવે તે બહુ જ જરૂરી છે. આ માટે જ ગુજરાતના અનેક શહેરો અને નાના ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યાં છે. અનેક ગામડાઓમાં કડક પગલા લેવામાં આવ્યા છે. ક્યાંક અઠવાડિયાનું તો ક્યાંક શનિવાર-રવિવારના બે દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા અનેક ગામો-શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતના ૧૦૦ જેટલા ગામ-શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.

કેટલાક ગામોમાં એક અઠવાડિયાથી લઈને ૧૫ દિવસ સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. રાજકોટમાં વધતા જતા કોરોનાના કેસને લઈને ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધોરાજીમાં ૨ દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવશે. ધોરાજીના તમામ ધંધા રોજગાર શનિવાર અને રવિવારના દિવસે બંધ રહેશે. મેડિકલ સ્ટોર અને દૂધની ડેરી જેવી આવશ્યક સેવા સિવાયના ધંધા બંધ રહેશે. લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરાઈ છે. 

અરવલ્લીના ભિલોડામાં શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક બંધનું એલાન કરાયું છે. વેપારી એસોશિયેશન અને પંચાયત દ્વારા બે દિવસમાં ૭૦ રેપિડ કોરોના કેસ આવતા નિર્ણય લેવાયો છે. આજે રાત્રિથી સોમવાર સવાર સુધી બજાર બંધ રહેશે. ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના લોકોએ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા નવતર પ્રયાસ હાથ ધર્યો છે. ગામમાં કોરોના વાયરસનુ સંક્રમણ ન ફેલાય તે માટે ગામના આગેવાનો અને ગ્રામજનોએ સ્વચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. ગામમાં બહારથી આવતા અને જતા તમામ લોકોના આરોગ્યનું સ્ક્રીનીંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગ્રામજનો કોરોના વાયરસ સામે જાગૃત બન્યા છે. વેરાવળના આજોઠા ગામે કોરોનાનો અજગરી ભરડો આવતા ૨૫ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આજોઠા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉનનો નિર્ણય કરાયો છે.

ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જીવન જરૂરિયાતની વસ્તુ માટે સવારે ૬ થી ૧૨ સુધી જ ગામ ખુલ્લું રહેશે. બાકી સ્વયંભુ સજ્જડ બંધ પાળશે. તાપી જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં સતર્કતા જોવા મળી. વાલોડ તાલુકાનું નવા ફળિયા ગામ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. ગામમાં આવતા સગા સંબંધી, ફેરિયા સહિત આજુબાજુ ગામના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. કોરોના સંક્રમણને લઈ ગામમાં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે.  

રાજકોટ જિલ્લાના લોધિકાના ખીરસરા ગામ સવારના ૧૦ થી ૫ બંધ તેમજ સાંજના ૮ પછી સદંતર બંધ પાળવામાં આવી રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ જિલ્લાના ગામડાઓ સતર્ક થયા છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાના પાંચ ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. પાલનપુર,ડીસા અને ભાભર બાદ દિયોદરમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. દિયોદર પ્રાંત અધિકારી એમકે દેસાઈએ સ્વયંભૂ દિયોદર બંધ રાખવા કરી જનહિત માટે અપીલ કરી છે.

 દિયોદરના વેપારી, અગ્રણીઓ શનિ-રવિ બે દિવસ સ્વયંભૂ બંધ પાળવા સહમત થયા છે. શુકવાર મધરાતથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. મોરબી શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે કોરોનને કંટ્રોલ કરવા માટે તંત્ર, સામાજિક સંસ્થાઓ, સમાજ અને સંગઠન દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં હજુ ધાર્યું પરિણામ મળતું નથી. ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રાની હાજરીમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના જુદા-જુદા એસોસિએશનના પ્રમુખોની હાજરીમાં મીટિંગ યોજાઇ હતી. આ મીટિંગમાં વિસ્તૃત ચર્ચા કર્યા બાદ કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે અને મોરબી જિલ્લાના લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લાની અંદર શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ સવારના ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી જ વેપાર ધંધો કરવા માટેનો નિર્ણય આ બેઠકમાં કરવામાં આવેલ છે. ગાંધીનગરના ઉનાવા ગામમાં આંશિક લોકડાઉન જાહેર કરાયું છે. ગામમાં દુકાનો અને ફેરિયાઓ માટે સમય નિશ્ચિત કરાયો છે. ગામમા દુકાનો અને ફેરિયાઓને સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધી જ આવવામાં દેવાશે. નવો આદેશ ન થાય ત્યાં સુધી નિર્ણય લાગુ રહેશે. અમરેલીના બગસરાનું મોટા મૂંજીયાસર ગામમાં આજથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું છે. ગ્રામ પંચાયત અને ગામ લોકો દ્વારા નિર્ણય કરાયો કે, ૭ દિવસ સુધી ગામ બંધ રહેશે. સાથે જ કોવિડ-૧૯ની ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે દંડનો પણ જોગવાઈ પણ કરવામાં આવી છે.

(9:28 pm IST)