સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th April 2019

ઉદ્યોગપતિઓ ખુશ એટલે ભાજપ ખુશ એવુ વાતાવરણ છે, પણ ગામડાઓમાં પ્રાથમીક સુવિધાઓ મળી જ નથી

વાંકાનેરના ગામડાઓમાં લલીતભાઇ કગથરાનો લોકસંપર્ક

 રાજકોટ, લોકસભા રાજકોટની બેઠકના ઉમેદવાર શ્રી લલિતભાઇ કગથરાએ વાંકાનેર વિસ્તારના ગામડાંનો પ્રવાસ કર્યો હતો. જે રીતે નરેન્દ્રભાઇ મોદીની ભાજપ સરકાર પ્રચાર કરી રહી છે એ જોતાં કલ્પના તો એવી હતી કે ગામડાંમાં કોંગ્રેસની વાત ગળે ઉતારવામાં થોડો સમય લાગશે. પરંતુ સંપર્ક દરમિયાન જાણ્યું કે ગામડામાં તો ભાજપની સરકાર માટે ભારોભાર નારાજગી છે.

શ્રી લલિતભાઇ કગથરાએ જણાવ્યું કે જે જે ગામડાંઓમાં અમે કાર્યકરો અને સ્થાનિક અગ્રણી સાથે ગયા ત્યાં ત્યાં લોકોમાં સખત નારાજગી ભાજપ માટે જોવા મળી હતી. પાકવીમો અને ટેકાના ભાવના પ્રશ્ર્નને તો ભાજપના લોકોએ ગણકારી જ નથી. ઉદ્યોગપતિઓ ખુશ એટલે ભાજપ ખુશ એવું વાતાવરણ છે. પણ ગામડાંમાં પ્રાથમિક સુવિધા પણ લોકોને મળતી નથી એવું બહાર આવ્યું છે.

 રાજકોટ લોકસભા વિસ્તારના ગામડાંમાં પ્રવાસ દરમિયાન લોકોએ કહ્યું કે જે આરોગ્ય યોજના સરકારે જાહેર કરી  છે એનો લાભ મેળવવામાં પગે પાણી ઉતરે છે. જુદા જુદા કાગળિયાની માંગણી સતત થાય છે અને ધક્કા થયા કરે છે. ગામડાંમાં આરોગ્યની પ્રાથમિક સુવિધા મળવી જોઇએ એ નથી મળી. પીવાના પાણી માટે હજીય વલખાં મારવાં પડે છે. સૌની યોજનાની વાતો અમે છાપામાં વાંચી છે પણ અમને નર્મદાનીરના દર્શન થયાં નથી.

 રાજકોટની આસપાસના ગામડાંની હાલત જો આવી હોય તો  પછાત ગણાતા વિસ્તારમાં તો શું હશે. આ જ સાબીતી છે કે ભાજપની  સરાકારે પાંચ વર્ષમાં વાતો કરી છે. વિકાસની વાર્તા કરી છે,પણ જેમના સુધી પહોંચવો જોઇએ એમના સુધી વિકાસ પહોચ્યો નથી.  ગામડાંની હાલત ગંભીર છે. ઊનાળામાં પાણીની સમસ્યા છે. ગોચરની પણ વાત એમની એમ છે. આ સ્થિતિમાં લોકો આ વખતે સત્ત્।ા પરિવર્તન માટે હવે નક્કી કરી ચૂકયા છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.  આ લોકસંપર્ક યાત્રામાં અશોકભાઇ ડાંગર (પ્રમુખ- રાજકોટ શહેર કોંગ્રેસ) કોર્પોરેટરો નીલેશમારૂ, જેન્તીભાઇ બુરાણી, ધર્મીષ્ઠાબા જાડેજા, મેનાબેન જાદવ અને દિપકભાઇ ધવા વોર્ડ પ્રમુખ સતુભા જાડેજા, મયુરસિંહ જાડેજા, વિનોદભાઇ ચૌહાણ, તુષારભાઇ કાછડીયા, ચંદ્રસિંહ પરમાર, હસુભાઇ સોજીત્રા, રાજુભાઇ બાળીયા, પરેશભાઇ સરધારા, અક્ષય પટેલ, ચંદુભાઇ ટીલાળા અને મનોજભાઇ વિ. જોડાયા હતા.

(3:45 pm IST)