એસ્સાર ઓઇલ લિ. દ્વારા બાળકો માટે ઇપીએલ જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટ
એસ્સાર ઓઈલ લિ.માં ફરજ બજાવતા કર્મચારીઓના બાળકોમાં રમત ગમ્મત ક્ષેત્રે વધુ રૂચિ કેળવાય અને ખેલ કૌશલ્ય વિકસિત થાય એ માટે એસ્સારની નંદનિકેતન ટાઉનશીપમાં આવેલા વિશાળ મેદાનમાં 'એસ્સાર પ્રિમિયર લીગ જૂનિયર' રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ત્રણ વિભાગોમાં નવ ટીમ બનાવાઈ હતી જેમાં ૧પ૦ બાળકોએ ભાગ લીધો હતો. નાનાં બાળકો જયારે બેટ–બોલ સાથે મેદાનમાં રમવા માટે ઉતરતાં હતાં ત્યારે મેદાનની બહાર રહેલા પ૦૦થી ૭૦૦ લોકોના ઓડિયન્સમાંથી 'બક –અપ'નો અવાજ ગૂંજતો હતો. ફાઈનલ મેચ બાદ ધોરણ–૧થી ૩ના વિદ્યાર્થી–વિદ્યાર્થીનીઓના પ્રથમ વિભાગમાં ગુજરાત ટાઈગર્સ, ધોરણ–૪થી ૧રના વિદ્યાર્થીનીઓના બીજા વિભાગમાં ઇનિંગ્સ સ્ટાર અને ધોરણ–૪થી ૧રના વિદ્યાર્થીઓના ત્રિજા વિભાગમાં બેડ બ્લૂસની ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમ્સની સાથે સાથે કિડઝ ઓફ મેચ, કિડઝ ઓફ સિરિઝ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટસમેનને ઈનામો અને ટ્રોફી વડે ઉચ્ચ અધિકારીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્રણ રાત્રિ સુધી ચાલેલી ટુર્નામેન્ટમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીગણની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.