સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

જૂનાગઢના સિમેન્ટ ક્રોંક્રીટના જંગલમાં સાવજના ધામા - ફફડાટ

સરદારપરા બાદ હોટેલમાં પણ પહોંચ્યો સિંહ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૦ : જૂનાગઢના સિમેન્ટ ક્રોંક્રીટના જંગલમાં સાવજે ધામા કર્યા હોય તેમ સરદારપરા બાદ હોટેલમાં પણ સિંહે દેખા દેતા લોકોમાં ડર સાથે ફફડાટ વ્યાપી ગયો છે.

જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા વધી ગયા છે અને હવે સિંહો શહેરના સિમેન્ટ ક્રોંક્રીટના જંગલમાં પણ પહોંચવા લાગ્યા છે.

તાજેતરમાં જૂનાગઢના સરદારપરાના રહેણાંક વિસ્તારમાં એક વનરાજે વહેલી સવારે આંટાફેરા કર્યા હતા. જેની શાહી હજુ સુકાઇ નથી ત્યાં મજેવડી દરવાજા પાસે આવેલ હોટેલ સરોવર પોર્ટીકો સુધી એક સિંહ પરોઢીયે પહોંચ્યો હતો.

મેઇન રોડ પાર કરીને હોટેલના મેઇન ગેઇટને કુદી સિંહ હોટેલના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો હતો અને હોટેલ પરિસરમાં ૪૨ સેકન્ડ સુધી લટાર મારી એ જ રસ્તે પરત જતો રહ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

(1:02 pm IST)