સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા 'આપ'ને ફટકોઃ શહેર પ્રમુખ કાર્યકરો સાથે કોંગ્રેસમાં પરત ફર્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૦: સ્થાનિક સ્વરાજયની ચુંટણી નજીક છે ત્યારે ચુંટણી પૂર્વે રાજકીય પક્ષો તોડજોડની રાજનીતિ જોવા મળે છે જેમાં આજે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખે કોંગ્રેસ પક્ષમાં ઘરવાપસી કરી છે અને કોંગ્રેસ સાથે જોડાતા આપમાં સોપો પડી ગયો છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે લલીતભાઈ કગથરા, જયંતીભાઈ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ મહેશભાઈ રાજયગુરુ તેના ૨૦ થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે મહેશભાઈ રાજયગુરુ મૂળભૂત કોંગ્રેસી નેતા જ હતા અગાઉ તેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચુકયા છે તો કોંગ્રેસના ચુંટણી ચિન્હ પરથી તેના પત્ની ગત પાલિકાની ચુંટણી જીત્યા હતા જોકે બાદમાં પક્ષ સામે બળવો કરીને વિકાસ સમિતિ રચના કરીને કોંગ્રેસ પક્ષને જ ઠેંગો બતાવી દીધો હતો અને કોંગ્રેસની જીતેલી બાજી હારમાં પલટાવી દીધી હતી અને કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી દીધો હતો હવે ફરી પાલિકાની ચુંટણી નજીક છે ત્યારે મહેશભાઈ રાજયગુરુએ કોંગ્રેસ પક્ષમાં ઘર વાપસી કરી છે.

ટીકીટ માંગવામાં નથી આવી, પાર્ટી સાથે મળી કામ કરશું

આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં ઘર વાપસી કરનાર મહેશભાઈ રાજયગુરૂએ જણાવ્યું હતું કે ટીકીટની કોઈ માંગ કરવામાં આવી નથી પરિવારમાં દ્યર વાપસી કરી છે નાના મોટા પ્રશ્ન હોય તે ઉકેલાઈ જતા હોય છે અને તેઓ પાર્ટી સાથે મળી મોરબીના વિકાસ માટે કામ કરશે તો અગાઉ કોંગ્રેસ છોડવા અંગે જણાવ્યું હતું કે તેને કોંગ્રેસ પક્ષ છોડ્યો નથી તેને જે તે સમયે પાર્ટી આગેવાનોએ સસ્પેન્ડ કર્યા હતા

શહેર કોંગ્રેસ પ્રમુખ, પાલિકા પ્રમુખના પતિ તરીકે કર્યો છે પક્ષ સાથે દ્રોહ

મહેશભાઈ રાજયગુરુ વર્ષ ૨૦૧૫ માં યોજાયેલ નગરપાલિકા ચુંટણી પૂર્વેથી શહેર કોંગ્રેસ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા હતા અને નગરપાલિકા ચુંટણીમાં કોંગ્રેસને ૫૨ માંથી ૩૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં સત્ત્।ા મોહમાં મહેશ રાજયગુરુના માર્ગદર્શન હેઠળ જ તેના પત્નીની આગેવાનીમાં બાગી સભ્યોની વિકાસ સમિતિ બનાવી કોંગ્રેસને જીત મળી હોવા છતાં જીતના સ્વાદથી વંચિત રાખી હતી ત્યારે હવે ફરી ચુંટણી સમયે કોંગ્રેસ પક્ષે બાગી નેતાને આવકાર્યા છે ત્યારે અનેક પ્રકારની ચર્ચા જોવા મળી રહી છે

આમ આદમી પાર્ટીને ચુંટણી પૂર્વે તોડવાનો કારસો

આમ આદમી પાર્ટી મોરબીમાં વિકલ્પ બનવા મેદાને ઉતરવાનું એલાન કરી ચુકી છે અને સ્થાનિક સ્વરાજયની ચુંટણી લડવા આમ આદમી પાર્ટીએ રાજયની જેમ મોરબીમાં પણ તૈયારીઓ કરી છે જોકે ચુંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો છે શહેર પ્રમુખના પક્ષ પલટાથી આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો છે અને ચુંટણી પૂર્વે જ પાર્ટીને તોડવાનો કારસો રચાયો હોય તેવી ચર્ચા રાજકીય ગલીયારાઓમાં ખુબ જોવા મળી રહી છે.

(12:57 pm IST)