સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

જૂનાગઢ, ભેંસાણ, મેંદરડા, કેશોદ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોને રસી અપાઇ

અઠવાડિયામાં ૫૨૦૦ શિક્ષકોને કોરોના રસી અપાશે

જૂનાગઢ તા. ૧૦ : ફ્રન્ટ લાઇન વર્કર તરીકે કામ કરતા શિક્ષકોને જૂનાગઢ ખાતે કોરોના રસી આપવામાં આવી રહી છે. જૂનાગઢ, ભેંસાણ, મેંદરડા અને કેશોદ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોને કોરોના રસી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા અને ડર વગર કોરોના રસી લેવા અપીલ કરી હતી.

જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. આજે જૂનાગઢ, ભેંસાણ, મેંદરડા અને કેશોદ તાલુકાના પ્રાથમિક શિક્ષકોને કોરોના રસી આપવામાં આવી હતી.

બિલખા પે-સેન્ટર શાળાના સોનલબેને જણાવ્યું હતું કે, કોરોનાની રસી લીધી છે. તેનાથી કોઇ આડઅસર થઈ નથી. ડર વગર તમામ લોકોએ કોરોનાની રસી લેવી જોઇએ જેથી લોકો કોરોનાથી રક્ષિત થઇ શકે છે.

બંધાળા સ્કુલના આચાર્ય હર્ષાબેન ધુળીયાએ જણાવ્યું હતું કે, શાળાના સ્ટાફ સાથે કોરોના રસી લીધી છે. રસીથી ગભરાવવાની જરૂર નથી. કોરોના રસી લેવાથી રક્ષિત થઇ શકીએ છીએ.

જૂનાગઢ તાલુકા શિક્ષણાધિકારી જયાબેન ભીંભાએ જણાવ્યું હતું કે,  જૂનાગઢ જિલ્લા પંચાયત સભા ખંડમાં જૂનાગઢ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. બાકીનાને પણ આગામી દિવસોમાં કોરોના રસી આપી તમામને આવરી લેવામાં આવશે.

જૂનાગઢ જિલ્લાનીક પ્રાથમિક શાળાના કુલ ૫૨૦૦ શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. આ તમામ શિક્ષકોને અઠવાડીયામાં કોરોના રસી આપી દેવામાં આવશે. કોરોના રસી લીધા બાદ શિક્ષકો સેલ્ફી અને વીડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ કરી અન્ય લોકોને રસી લેવા આગ્રહ કરી રહ્યા હોવાનું જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગના ડો.ચંદ્રેશ વ્યાસે જણાવ્યું હતું.

(11:37 am IST)