સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th February 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં પાલિકા-જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનો જામતો માહોલ

ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહીઃ ૧૩મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

પ્રથમ તસ્વીરમાં ધોરાજી અને બીજી તસ્વીરમાં ઉપલેટામાં ચૂંટણી પ્રક્રિયા થતી નજરે પડે છે (તસ્વીરઃ કિશોર રાઠોડ-ધોરાજી, ભરત દોશી-ઉપલેટા)

રાજકોટ, તા. ૧૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં નગરપાલિકા, જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામતો જાય છે. ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ રહી છે.

જેમાં તા. ૧૩ ફેબ્રુઆરી સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી તાલુકા પંચાયતની ૧૬ સીટ અને જિલ્લા પંચાયતની બે સીટો માટે ચૂંટણી સંદર્ભે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

ધોરાજી મામલતદાર કે. ટી. જોલાપરા અને ના. મામલતદાર નંદાણીયાંભાઈ એ વિશેષ વિગતો આપતા જણાવ્યું કે જિલ્લા પંચાયત ની બે સીટો મોટી મારડ-૨૦ અને સુપેડી - ૩૨ તેમજ ધોરાજી તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે પ્રાંત અધિકારી અને મુખ્ય ચૂંટણી અધિકારી જી.વી.મિયાણી ના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ આરંભાઈ છે.

ધોરાજી તાલુકા અને જિલ્લા પંચાયત માટે ૨૯,૧૬૩,પુરુષ મતદારો અને ૨૬,૫૦૧ સ્ત્રી મતદારો કુલ ૫૫,૬૬૪ મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે.

પ્રાંત અધિકારી હેઠળ ધોરાજી જિલ્લા પંચાયત ની સુપેડી, મોટીમારડ અને જામકંડોરણા તાલુકાની જામકંડોરણા અને દડવી કુલ ચાર જિલ્લા પંચાયત ધોરાજી તાલુકા પંચાયત ની ૧૬ બેઠક માટે આઠ બેઠકના ચૂંટણી અધિકારી મામલતદાર અને આઠ બેઠક માટે તાલુકા વિકાસ અધિકારી ની જવાબદારી સોંપવામાં આવી છે. કુલ ૬૨ મતદાન મથકો જેમાં ૩૪ સંવેદનશીલ છે. ૪૦૦ થી વધારે કર્મચારીઓ વ્યવસ્થા અંતર્ગત જવાબદારી નિભાવશે. ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓની બે તાલીમ પૂર્ણ થઈ ચૂકી છે. આગામી દિવસમાં જનરલ મિટિંગ યોજાશે.... તાલુકા જિલ્લાની ચૂંટણીઓ પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજવા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ખીરસરા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરાઃ ગુજરાત રાજયની સ્વરાજયની ચૂંટણીની તારીખો જાહેર થાય બાદ તા.૮/૨/૨૦૨૧ ના રોજ જાહેર નામુ પ્રસિધ્ધ થયા પછી રાજકોટ જિલ્લા ના લોધીકા તાલુકાની ૨ જીલ્લા પંચાયત સિટો તેમજ ૧૬ તાલુકા પંચાયત ની સિટો માટે બે દિવસમા જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ના ઉમેદવારી ફોર્મ નુ વિતરણ સરૂ થતા લોધીકા તાલુકા પંચાયત કચેરી માં થી બે દિવસ મા ૫૧દૃ ઉમેદવારી ફોમ તેમજ લોધીકા મામલતદાર કચેરી માં થી ૩૮ ઉમેદવારી ફોર્મ ઉપડેલ છે બે દિવસ મા એક પણ ફોમ ભરાય ને પરત આવેલ નથી.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબીઃ  જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી માટે ફોર્મ વિતરણ શરુ કરવાના બીજા દિવસે પણ ફોર્મ મેળવવા ઘસારો જોવા મળ્યો હતો તો વાંકાનેર તાલુકા પંચાયતની લુણસર બેઠક પર એક ફોર્મ ભરાયું છે.

સ્થાનિક સ્વરાજય ચુંટણી જંગ માટે ફોર્મ મેળવવાની પ્રક્રિયા શરુ કરાઈ હોય જેમાં આજે મંગળવારે પણ ફોર્મ ઉપડ્યા હતા જેમાં મોરબી જીલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૪૧ ફોર્મ, જયારે પાંચ તાલુકા પંચાયતમાં મોરબી ૨૬ બેઠક માટે ૪૭ ફોર્મ, માળિયા ૧૬ બેઠક માટે ૧૨ ફોર્મ, હળવદ ૨૦ બેઠક માટે ૦૭ ફોર્મ, ટંકારા ૧૬ બેઠક માટે ૨૪ ફોર્મ અને વાંકાનેર ૨૪ બેઠક માટે ૫૯ ફોર્મ ભરાયા છે.

તો નગરપાલિકાની વાત કરીએ તો મોરબી પાલિકાની ૫૨ બેઠક માટે ૬૦ ફોર્મ, માળિયા ૨૪ બેઠક માટે ૨૭ ફોર્મ અને વાંકાનેર ૨૮ બેઠક માટે ૦૩ ફોર્મ ઉપડ્યા હતા તો વાંકાનેર તાલુકા પંચાયતની લુણસર બેઠક માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દાવેદારો ફોર્મ ભરી જમા કરાવ્યું હતું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી કિરીટભાઈ નાનજીભાઈ વસીયાણીએ ફોર્મ ભર્યું.

ઉપલેટા

(ભરત દોશી દ્વારા ) ઉપલેટાઃ મામલતદાર કચેરી ખાતે રાજકોટ જિલ્લા પંચાયતની કોલકી ૧૬ બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સરોજબેન નયનભાઈ જીવાણીએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરી ચૂંટણી અધિકારીને રજૂ કરવામાં આવ્યુ હતુ. કોલકી જીલ્લા પંચાયતની બેઠક પરથી સરોજબેન નયનભાઈ જીવાણીએ ઉમેદવારી નોંધાવતા ૧૬ કોલકી જીલ્લા પંચાયતમાં આવતા ગામોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે, સરોજબેન જીવાણી ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણીના ધર્મપત્ની છે અને તેઓ ભાયાવદર સેવા સહકારી મંડળીના પૂર્વ સભ્ય, નગરપાલિકાના પૂર્વ સભ્ય તરીકે રહેલા કોંગ્રેસ પક્ષના મહિલા આગેવાન છે. ભાયાવદર શહેર તેમજ આજુબાજુના ગામોમાં સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોમાં હર હંમેશ તેમનુ યોગદાન હોય છે. તેમની કોલકી જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદગી કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આ તકે ઉપલેટા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર, ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી, જયદેવસિંહ વાળા, મનીષભાઈ સભાયા, પુંજાભાઈ સુમરા, અરજણભાઈ ભારાઈ, શૈલેષભાઈ ભાલોડીયા, દિનેશભાઈ ચનીયારા, બાબુભાઈ મહીળા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જીલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને ૩ મહાનગરપાલિકાની ચૂંટણી માટે છેલ્લા બે દિવસથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ છે. તેમજ ફોર્મ ઉપાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આજે તા. ૯ને મંગળવાર અને ગત તા. ૮ને સોમવારે એટલે કે છેલ્લા બે દિવસમાં ભાવનગર જિલ્લા પંચાયતની એક પણ બેઠક ઉપર ઉમેદવારી નોંધણી નથી. જ્યારે ૧૦ તાલુકા પંચાયત પૈકીની તળાજા તાલુકા પંચાયતમાં ૨, ગારીયાધાર તાલુકા પંચાયતમાં ૧ અને ભાવનગર તાલુકા પંચાયતમાં ૧ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

જ્યારે ૩ નગરપાલિકાઓ પાલીતાણા, મહુવા અને વલ્લભીપુરની ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં છેલ્લા ૨ દિવસમાં કુલ ૨૪૧ જેટલા ઉમેદવારીપત્રોના ફોર્મનો ઉપાડ થયો છે, પરંતુ આજદીન સુધી એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. છેલ્લા ૨ દિવસમાં પાલીતાણા નગરપાલિકામાં ૧૦૬, મહુવામાં ૧૦૦ અને વલ્લભીપુર નગરપાલિકાની ચૂંટણી માટે ૩૫ સહિત કુલ ૨૪૧ ઉમેદવારીપત્રો ઉપાડવામાં આવ્યા છે.

(11:23 am IST)