સણોસરાના પટેલ તબીબનો યુવતી સાથે નિર્વસ્ત્ર હાલતમાં વિડીયો ઉતારી ૨૦ લાખ માંગ્યા
પતાવટ માટે કુંભણ ગામના ભગવાન નાનુભાઇ આલ, હણોલ ગામના રઘા નાનુભાઇ, યુવતિ અને અજાણ્યા શખ્સ સામે ગુન્હો
ભાવનગર તા. ૧૦ : ભાવનગર જિલ્લાના પટેલ તબીબનો યુવતી સાથે નિર્વસ્ત્ર હાલતે વિડીયો ઉતારી યુવતી અને બે શખસો સહિત ચાર શખ્સોએ રૂ. ૨૦ લાખની માંગણી બ્લેકમેઇલ શરૂ કરતા તબીબે પોલીસ ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની તપાસ એલસીબી પોલીસને આપવામાં આવી છે.
આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના સણોસરા ખાતે રહેતા અને હોસ્પિટલ ધરાવતા પટેલ તબીબ તાલીતાણામાં રહેતી યુવતી સાથે કોઇ રીતે સંપર્કમાં આવ્યા હતા. ૪૭ વર્ષના આ તબીબને ગત તા. ૪થી મે બપોરે યુવતીએ પાલીતાણા બોલાવ્યા હતા અને તબીબ પાલીતાણા ગયા ત્યારે યુવતી તેને લીલાપીરની દરગાહ પાસે એક મકાનમાં લઇ ગઇ હતી અને તબીબનાં કપડા ઉતરાવી બાદમાં પોતે પણ કપડા ઉતારી નાખ્યા હતા. આ સમયે દરવાજામાંથી ત્રણ શખ્સો ઘુસી આવ્યા હતા. જે પૈકી કુંભણ ગામના ભગવાન નાનુભાઇ આલએ તબીબને ત્રણ લાફા માર્યા હતા. જ્યારે તબીબ અને યુવતીનું નિર્વસ્ત્ર હાલતમાં મોબાઇલમાં શુટીંગ ઉતારી હણોલ ગામના રઘા નાનુ અને ભગવાન અને એક અજાણ્યા શખ્સે ગાળો દઇ પતાવટ કરવી હોય તો રૂ. ૨૦ લાખની માંગણી કરી હતી. રકઝક બાદ આખરે તબીબે રૂ. સાડા અગીયાર લાખ આપવા તૈયાર થયા હતા. બાદમાં આ તબીબે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં કુંભણ ગામના ભગવાન નાનુભાઇ આલ, હણોલ ગામના રઘા નાનુભાઇ તથા યુવતી અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પૂર્વ આયોજીત કાવત્રુ રચી પૈસા પડાવવાના ઇરાદે તેનો વિડીયો ઉતારી ગાળો દઇ ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ભાવનગર એલ.સી.બી.ને સોંપતા બનાવની તપાસ પો.સ.ઇ. એન.જી.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.