સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

જુનાગઢઃ લોહાણા પરિવાર પર કરોડોના દેણા મામલે રાજા ઇલેકટ્રીકવાળા પરિવારને કોઇ જ લેવા દેવા નથી

રાજૂભાઇ રાજા (નીતિનભાઇ)ની પેઢી આજે પણ માનભેર ચાલુ જ છે

 જૂનાગઢ તા. ૧૦ :.. જૂનાગઢના એક લોહાણા પરિવાર પર કરોડોનું દેણુનાં મામલે  જૂનાગઢની અગ્રણી વેપારી પેઢી રાજા ઇલેકટ્રીકવાળા પરિવારને કોઇ પ્રકારની નિસ્બત નથી અને આ પ્રતિષ્ઠીત વેપારી પેઢી આજે પણ વેપાર-કારોબાર ક્ષેત્રે યથાવત રીતે ચાલુ હોવાનું શ્રી રાજાએ જણાવ્યું છે.

તા. ૯ ફેબ્રુઆરીનાં અખબારમાં જૂનાગઢમાં તળાવ દરવાજા પાસે આવેલ પ્રેસ્ટીજ એપાર્ટમેન્ટનાં ત્રીજા માળે રહેતો એક લોહાણા પરિવાર બાળકો સહિત આઠ સભ્યો સાથે ગત રવિવારથી ગૂમ થયો હોવાનો અહેવાલ પ્રસિધ્ધ થયેલ.

તેમજ આ પરિવાર વ્યાજનાં વિષચક્ર અને વ્યાંજકવાદીઓનાં ત્રાસથી ભેદી રીતે લાપતા થયો હોવાની બાબતને લઇ રઘુવંશી પરિવાર ચિંતીત થયેલ.

આ અહેવાલમાં જૂનાગઢની નવાબના વખતની વર્ષો જૂની પેઢી રાજા ઇલેકટ્રીક સ્ટોર્સનાં રાજૂભાઇ રાજા પરિવાર સાથે ૪ ફેબ્રુઆરીની સાંજે જૂનાગઢ છોડીને ચાલ્યો ગયેલ છે તેવી માહિતી પણ પ્રસિધ્ધ થયેલ.

પરંતુ રાજા ઇલેકટ્રીકવાળા રાજૂભાઇ (નીતિનભાઇ) રાજા પ્રતિષ્ઠીત વેપારી છે અને તેઓ તેમના પરિવાર સાથે પ્લેટીનમ ખાતે રહે છે. તેમજ શહેરનાં પંચહાટડી ચોક ખાતે આજે પણ રાજા ઇલેકટ્રીક સ્ટોર્સ નામની પેઢી કાર્યરત છે.

વર્ષોથી કાર્યરત રાજા ઇલેકટ્રીક સ્ટોર્સ પેઢી કે તેના સંચાલક રાજૂભાઇ રાજા (નીતિનભાઇ) ઉપર કોઇપણ પ્રકારનો અત્યારે આર્થિક બોજો નથી તેવું તેમણે સ્પષ્ટ કહયું છે.

લોહાણા સમાજ તેમજ વેપારી આલમમાં શાખ ધરાવતી પેઢી રાજા ઇલેકટ્રીક સ્ટોર્સને વ્યાજ વટાવ સાથે કોઇ પ્રકારનો સંબંધ પણ નથી અને વર્ષોથી જૂનાગઢ ઉપરાંત અન્ય વિસ્તારોમાં સારી લોકચાહના ધરાવતી રાજા ઇલેકટ્રીક સ્ટોર્સ પેઢી અને રાજૂભાઇ (નિતીનભાઇ) રાજા તેમજ તેમનાં પરિવારને આ પ્રસિધ્ધ થયેલા અહેવાલ સાથે કંઇ જ લાગતું વળગતું નથી.

અકિલા પરિવાર આ માટે ખેદની લાગણી વ્યકત કરે છે.

તેમજ રાજા ઇલેકટ્રીક સ્ટોર્સ અને તેમના સંચાલક રાજૂભાઇ રાજા (નિતીનભાઇ) ઉપરાંતે સમગ્ર રાજા પરિવાર વેપાર ક્ષેત્રે આગળ ઉપર પણ તમામ વિધ્નો પસાર કરી ખૂબ  પ્રગતિ કરે. તેવી શુભેચ્છા...

એક જ અટકના નામધારી અન્ય એક પરિવાર લાપત્તા થયાનું બહાર આવ્યું છે, આ અંગે તપાસ કરી સત્ય જાહેર કરવા પુરા પ્રયાસો કરીશું.

(11:44 am IST)