સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th February 2018

રાપર હત્યા પ્રકરણઃ પત્ની સાથે છૂટાછેડા, ભરણપોષણ કેસ, પત્નીના બીજા લગ્ન, નાત બહાર કરવાના રંજથી ઉશ્કેરાઇ વેવાઇના નાક કાન કાપી ક્રુર હત્યા કરી

હત્યામાં પુત્ર સાથે સંડોવાયેલા પિતાની પણ ધરપકડ - કચ્છના પટેલ સમાજમાં ચકચાર

ભુજ તા. ૧૦ : રાપરના પદમ પર ગામે વેલજી રણછોડ રાવરીયા (પટેલ) નામના પાટીદાર પ્રૌઢની હત્યામાં સામાજીક આબરૂ જતા વેરાગ્નિમાં બળતા જમાઇ પુત્રની સાથે તેના પિતા પણ હત્યામાં સંડોવાયેલા નિકળ્યા હતા. પોલીસે હત્યારા હિતેષ પરબત ચૌધરીની સાથે તેના પિતા પરબત ગણેશા ચૌધરીની પણ ધરપકડ કરી છે.

આરોપી હિતેષના લગ્ન મૃતક વેલજીભાઇની દીકરી કાન્તા ૃસાથે થયા હતા. બે વર્ષના લગ્નજીવનમાં એક દીકરી થઇ પરંતુ પતિ-પત્ની વચ્ચે કંકાસ હોઇ બંનેએ જ્ઞાતિ વચ્ચે છુટાછેડા લીધા હતા. જોકે આ કારણે વાગડ પટેલ સમાજમાંથી હિતેષનાં પરિવારને નાત બહાર કરાયેલ.

દરમિયાન પોતાની પુત્રી સાથે કાન્તાએ બીજા લગ્ન કરી લીધા તેની સાથે મુંબઇ કોર્ટમાં હિતેષ ઉપર ભરણ પોષણનો દાવો માંડયો હતો. આ કુટુંબ કલેશથી કંટાળેલા હિતેષ અને તેના પિતા પરબત ગણેશા ચૌધરીએ વેવાઇ વેલજી રાવરીયાની હત્યા કરી હતી. જોકે વેરાગ્નિમાં ભડભડ બળતા હત્યારા પિતા પુત્રએ મૃતક વેલજીભાઇના નાક - કાન છરી વડે ક્રુરતાપૂર્વક કાપીને તેમને રહેંસી નાખ્યા હતા. પોલીસે ધારીયા, છરી સાથે હત્યારા પિતા-પુત્રને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

(11:35 am IST)