સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

શ્રીરામ-શ્રીકૃષ્ણ વિચારક,ઉધ્ધારક અને સ્વીકારકઃ પૂ.મોરારીબાપુ

સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે આયોજીત ''માનસ સેવાયજ્ઞ'' શ્રીરામકથાનો સાતમો દિવસ

રાજકોટ તા.૯: ''ભગવાન શ્રી રામ, ભગવાનશ્રી કૃષ્ણ વિચારક,ઉધ્ધારક અને સ્વીકારક છે'' તેમ સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે આયોજીત ''માનસ સેવાયજ્ઞ'' શ્રીરામકથાના સાતમા દિવસે જણાવ્યુ હતુ.

પૂ.મોરારીબાપુએ જણાવ્યુ કે શ્રીરામ ભગવાને ગાદી ઉપર બેસવા કે રાજ કરવા માટે રાજ ગાદી સંભાળી ન હતી. પરંતુ ભકતોનો ઉધ્ધાર કરવા માટે અવતરણ કર્યુ હતુ.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે, રામાયણને જીવંત રાખવા માટે બધા ક્ષેત્રો જાગૃત થાય તે જરૂરી છે સમાજને વિચારકો ઘણા મળ્યા છે પરંતુ આ વિચારકોના વિચારોનો સારી બાબતોમાં  ઉપયોગ થાય તે જરૂરી છે

સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની નિઃશુલ્ક સેવાઓને સબળ ટેકો આપવા માટે સમાજના સર્વ ક્ષેત્રના લોકો ૩૦૦ રૂપિયાથી લઇને ૩ કરોડ રૂપિયા સુધીની આહૂતિઓ બાપુની રામકથાના માધ્યમથી આરોગ્ય મંદિરને અર્પણ થઇ રહી છે, જેમાં બુધવારે સાંધ્ય કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીરે પોતાના કંઠના કામણ પાથર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સંગીત પ્રેમીઓએ પ્રશંસા રૂપે ઓસમાણ મીર ઉપર 'ઘોર' કરી હતી.

જેમાં રૂ.૧.૫૩ લાખ એકત્ર થયા હતા જે સંપૂર્ણ રકમ ઓસમાણ મીર અને સાથી કલાકારોએ આરોગ્ય મંદિરની સેવામાં અર્પણ કરી હતી.

પૂ.મોરારીબાપુએ કાલે શ્રીરામકથાના છઠ્ઠા દિવસે કહ્યુ કે સાધુના પાંચ સુત્ર છે (૧)સાધુ એ છે જેનું જીવન આખા સમાજની સામુ હોય, દર્પણ જેવું જીવન હોય સ્વામી રામતીર્થ કહેતા, તમે ચારે બાજુથી પહેલા મને જોઇ લો, ધીરજ રાખો, પ્રયોગ કરી લો, નજીક આવી સ્વભાવ જાણી લો, પછી જો તમને યોગ્ય લાગે તો જ પગે લાગો. એટલે પછીથી પસ્તાવું ન પડે, આપણે પગે ય જલ્દી લાગીએ છીેએ અને પગ ય જલ્દી ખેંચીએ છીએ! હું તો ઘણીવાર કહું કે, જે અભરખા વગરનો અને પગરખા (પદ-સ્થાન)વગરનો હોય એ સાધુ છે. ગાંધીજી પણ કહેતા, જો અંતિમ વખતે મારા મુખમાંથી 'રામ' શબ્દ'નીકળે તો જ માનજો કે હું મહાત્મા છુ હતો. નહી તો માનજો કે હું પાખંડી હતો. જે સમાજની સામો છે એ સાધુ છે. (૨) જેનું જીવન સાચુ હોય. આપણો માહ્યલો જ ના કહે કે આ કયારેય ખોટુ બોલી જ ન શકે, જેનુ જીવન સાચુ હોય, જેના આચાર, વિચાર અને ઉચ્ચાર સાચા હોય એ સાધુ છે (૩) જેનું જીવન સારૂ હોય, (૪)જેનુ જીવન સાવ સાદુ હોય, જેની વાણી, વેશ, વર્તન,ભોજન બધુ જ સાદુ હોય...એ સાધુ છે અને (૫) જેનું જીવન સાબુ જેવું હોય એ સાધુ છે સાધુ આપણા કાળજાના મેલ કાઢી નાખે છે.

(4:19 pm IST)