સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

નાની વયના બાળકોમાં વાહન ચલાવવાના વધતા ક્રેઝ સામે લાલબત્તી ધરવામાં આવી

SP દિપકકુમાર મેઘાણી - DYSP પ્રદિપસિંહ જાડેજાનું લોકહિતમાં વધુ એક પગલું : ચોટીલામાં વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગેનું જ્ઞાન પીરસાયુ

સુરેન્દ્રનગર તા. ૯ : જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સુચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો.સ.ઇ. સી.બી.રાંકજા સ્ટાફના હે.કો. સરદારસિંહ, ઇશ્વરભાઈ, વસંતભાઈ, વિભાભાઈ, તેમજ ટ્રાફિક બ્રિગેડ જયપાલસિંહ, સોહિલખાન, વિજયસિંહ, જાતિનભાઈ, સહિતના સ્ટાફ સાથે ચોટીલા તાલુકાના પિયાવા ગામમાં આવેલ પ્રાથમિક શાળાના આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ દીપકભાઈ પરમાર તથા ૦૮ જેટલા શિક્ષકો તેમજ ગ્રામજનોની હાજરીમાં વિદ્યાર્થીઓ ને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવેલ હતી.

આજના સાંપ્રત સમયમાં યુવાનો અને નાની વયના બાળકોમાં વાહન ચલાવવાનો ક્રેઝ વધારે પ્રમાણમાં હોય, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. જેથી, ચોટીલા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની સરળ ભાષામાં પ્રેકિટકલ જાણકારી આપવામાં આવેલ હતી. ઉપરાંત, શાળામાં હાજર વિદ્યાર્થીઓને ચોટીલા પોલીસ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપતા, વિદ્યાર્થીઓને પણ જીવનમાં ઉપયોગી જાણકારી મળેલ હતી.

અંતમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલ જાણકારી સંબંધે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખી, સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓની પ્રશંશા કરવામાં આવેલા હતા તેમજ તમામ વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરી, ખુશ કરી દીધા હતા. ચોટીલા પોલીસ દ્વારા આયોજિત ટ્રાફિક જાણકારીનો કાર્યક્રમ સફળ રહ્યો હતો.

ટ્રાફિકના નિયમોની જાણકારીના અભાવે નિયમોનું ઉલ્લંઘન વધારે પ્રમાણમાં થતું હોય, ચોટીલા પોલીસ દ્વારા આપવામાં આવેલ ટ્રાફિકના નિયમોની જાણકારી ખૂબ જ ઉપયોગી થશે એમ શાળાના પ્રિન્સિપાલ દીપકભાઈ પરમાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની પ્રશંશા કરી, જણાવવામાં આવેલ હતું.(૨૧.૧૮)

(12:40 pm IST)